Madhya Pradesh,તા.08
મધ્ય પ્રદેશનાં સાગર જિલ્લાનાં બંડામાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૪ લોકોનાં મોત થયા છે. કેટલાક લોકોને ગંભીર હાલતમાં સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાતનાં સમયે ૧૦૦થી વધુ લોકોની તબિયત ખરાબ થવાને કારણે બંડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન ૧૪ લોકોનાં મોત થયા છે.
મૃતકોનાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ બંડા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર પ્રતિભા પાલ અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટ અનુરાગ સુજાનિયા સહિત વહીવટી તંત્ર અને પોલીસનાં વરિષ્ઠ અધિકારી બંડા પહોંચ્યા હતાં.
અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી અને કેસની તપાસ શરૂ કરાવી હતી. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે બંડામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઝેરી દારૂની આશંકા અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. થોડાક જ દિવસ પહેલ મધ્ય પ્રદેશનાં પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ લઠ્ઠાકાંડની ઘટના જોવા મળી હતી. મધ્ય પ્રદેશનાં મુખ્યપ્રધાન મોહન યાદવે ઘટનાની તપાસનાં આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે કોઇ પણ દોષિતને છોડવામાં નહીં આવે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રે સાવચેતીનાં પગલારૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં દારૂની સાત દુકાનો સીલ કરી દીધી છે અને તાત્કાલિક સેમ્પલ લેવાનો આદેશ આપ્યો છે.

