Gandhinagar,તા.8
તા. 1 જુલાઈ, 2017 ના રોજ ભારતમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતમાં વસ્તુની ખરીદી કે સેવા મેળવવા પર માત્ર એક જ – GSTકર લાગુ કરવામાં આવ્યો, જ્યારે અન્ય કરને નાબૂદ કરવામાં આવ્યા હતા.
“એક રાષ્ટ્ર, એક કર”ના સિદ્ધાંત સાથે GST એ કર પ્રણાલીને સરળ બનાવી, કરચોરી ઘટાડી અને વ્યાપાર કરવામાં સરળતા લાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
છેલ્લા 8 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. GST એ ગુજરાતને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કરદાતાઓમાં ઉત્તરોત્તર વધારો
GST લાગુ થયા બાદ ગુજરાતમાં પ્રતિવર્ષ નવા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 8 વર્ષ પહેલા GST લાગુ થયો ત્યારે રાજ્યમાં 5.15 લાખથી વધુ કરદાતાઓ હતા, જેની સામે આજે વર્ષ 2024-25માં 145 ટકાના વધારા સાથે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા 12.46 લાખને પણ પાર કરી ચૂકી છે, જે બમણાથી પણ વધુ છે.
નોંધાયેલા કરદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આજે દેશમાં ત્રીજા સ્થાને છે, જે તેની વધતી જતી આર્થિક પ્રવૃત્તિ અને કર શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ 2024-25માં ગુજરાતનો કરદાતા વૃદ્ધિ દર 6.38 ટકા નોંધાયો છે, જે રાષ્ટ્રીય વૃદ્ધિ દર 3.86 ટકા અને અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો વધારે છે.
ગુજરાતમાંથી વર્ષ 2024-25 દરમિયાન રૂ. 1,36,748 કરોડની GST આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ રૂ. 11,579 કરોડ વધુ છે. રાજ્યોમાંથી થયેલી GST આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે અને ડોમેસ્ટિક GST માં પણ ગુજરાતનો ફાળો 8.2 ટકા નોંધાયો છે.
રાજ્યને મળતી SGST અને IGSTની આવકમાં પણ ગુજરાતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2024-25માં SGST અને IGSTના માધ્યમથી રાજ્યને કુલ રૂ. 73,200 કરોડની મહેસૂલી આવક થઈ છે, જે ગત વર્ષ કરતા રૂ. 8,752 કરોડ વધુ છે.
વર્ષ 2024-25માં SGST અને IGSTની આવકમાં રાષ્ટ્રીય વૃદ્ધિ દર 10.31 ટકાની સરખામણીએ ગુજરાતે 13.6 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે. આ વધારાની આવક ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે.
આ ઉપરાંત માલ-સામાનની અવર-જવરના ડિજિટલ ટ્રેકિંગ માટે બનાવવામાં આવતા ઈ-વે બિલમાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતના સપ્લાયરો દ્વારા કુલ 13.98 કરોડ ઈ-વે બિલ બનાવવામાં આવ્યા હતા.
આ રીતે, ઈ-વે બિલ બનાવનાર સપ્લાયરોની સંખ્યાના આધારે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તદુપરાંત, ગુજરાત ઈ-વે બિલના મૂલ્યની દ્રષ્ટિએ દેશમાં દ્વિતીય સ્થાને તેમજ કુલ ઈ-વે બિલની સંખ્યામાં દેશમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે.GSTના માધ્યમથી ગુજરાતે ખરા અર્થમાં વિકાસનો નવો અધ્યાય રચ્યો છે.