New Delhi,તા.07
વડાપ્રધાન મોદી રાષ્ટ્રગીત `વંદેમાતરમ’ના 150 વર્ષ પુરા થવા પર આજે શુક્રવારે ઈન્દીરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં વર્ષભર ચાલનારા સ્મરણોત્સવનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન આ તકે સ્મૃતિ ટપાલ ટિકીટ અને સિકકો પણ જાહેર કરશે.
વંદેમાતરમ ગીત માત્ર એક ગીત નથી, બલકે ભારતના સ્વતંત્રતા સંગ્રામના આત્મા છે, જેણે ન માત્ર આઝાદીની લડાઈમાં જીવ રેડયો, બલકે ભારતીય ભાષાઓના સાહિત્યને મજબૂતી આપી હતી.
આ ગીતની રચના, બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 7 નવેમ્બર 1874માં અક્ષય નવમીએ શુભ અવસરે કરી હતી. આ અમર ગીત માત્ર ભારતીય સ્વાધીનતા સંગ્રામનો ઉદઘોષ જ નહીં, બલકે આજે દેશનું રાષ્ટ્રગીત પણ છે.
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ 26 જૂન 1838માં થયો હતો. પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના કાંઠલપાડા ગામમાં જન્મેલા બંકીમચંદ્ર બંગાળી ભાષાના ટોચના ઐતિહાસિક નવલકથાકાર હતા. તે ભારતના એલેકઝાન્ડર ડયુમા તરીકે પણ ઓળખાતા હતા.
તેમણે પોતાની પ્રથમ નવલકથા `દુર્ગેશનંદિની’ લખી ત્યારે તેમની વય માત્ર 27 વર્ષની હતી. ત્યારબાદ તેમણે પાછું વળીને નહોતું જોયું. બંગાળી સાહિત્યને જનમાનસ સુધી પહોંચાડનાર તેઓ પ્રથમ સાહિત્યકાર પણ હતા. માત્ર 56 વર્ષની વયે 8 એપ્રિલ 1894માં તેમનું નિધન થયું હતું.
બંકીમચંદ્રે 1857માં બીએની પરીક્ષા પાસ કરી હતી ત્યારે તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા, જેમણે પ્રેસીડેન્સી કોલેજમાંથી બીએની ડીગ્રી લીધી હતી. 1869માં તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી હતી. બાદમાં તરત તેમને ડેપ્યુટી મેજીસ્ટ્રેટ પદ નિયુક્તિ મળી હતી.
કેટલાક વર્ષો સુધી તત્કાલીન બંગાળ સરકારના સચીવ પદ પર પણ કામ કર્યું હતું. તેમને અંગ્રેજોએ રાયબહાદુર અને સીઆઈઈ જેવી પદવીઓથી સન્માનીત કર્યા હતા. તેમણે સરકારી નોકરીથી 1891માં સેવા નિવૃતિ લીધી હતી.
એક સાહિત્યકાર તરીકે બંકીમચંદ્રે બંગાળી અને હિન્દી બન્ને ભાષામાં એક અલગ ઓળખ સ્થાપી હતી. 1874માં તેમનું લખેલું વંદેમાતરમ ગીત ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓની પ્રેરણાનું મુખ્ય પ્રેરણાસ્ત્રોત બની ગયું હતું.
`વંદેમાતરમ’ની રચના પાછળ પણ એ રસપ્રદ જાણકારી છે…
તત્કાલીન ભારતના અંગ્રેજી શાસકોએ ઈંગ્લેન્ડની મહારાણીના સન્માન વાળું ગીત `ગોડ સેવ ધી કવીન’ ને દરેક કાર્યક્રમમાં ગાવાનું ફરજીયાત કરી દીધુ હતું.જેથી બંકિમચંદ્ર સહિત અનેક દેશવાસીઓની લાગણીને ઠેસ પહોંચી હતી.
તેના જવાબમાં બંકીમચંદ્રે 1874માં વંદેમાતરમ શીર્ષકથી ગીતની રચના કરી હતી. જેમાં મુખ્યત્વે ભારત ભૂમિને માતા તરીકે સંબોધીત કરી હતી. આ ગીત બાદમાં 1888માં આવેલ તેમની નવલકથા `આનંદમઠ’માં પણ સામેલ કરાયું હતું.
ઐતિહાસિક અને સામાજીક તાણાવાણા ગ્રંથની આ નવલકથાએ દેશમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં મોટું યોગદાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જયારે 1896માં કલકતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (એટલે કે આજની કોંગ્રેસ)ના અધિવેશનમાં પહેલી વાર વંદેમાતરમ ગીતનું ગાન થયું હતું અને થોડા સમયમાં તે રાષ્ટ્રપ્રેમનું પરિચાયક અને અંગ્રેજી શાસન સામે ક્રાંતિકારીઓનું પસંદગીને મુખ્ય અવાજ બની ગયુ હતું.
ઉલ્લેખનીય છે કે, બંકીમચંદ્રને તેમની હયાતીમાં એટલી પ્રસિદ્ધિ નહોતી મળી, તેમના મૃત્યુ બાદ આ ગીત સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અબાલ વૃદ્ધના દિલનું ધડકન બની ગયુ હતું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતની ધૂન બનાવી હતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વંદેમાતરમને રાષ્ટ્રગીતનો દરજજો આપવાની જાહેરાત કરી હતી.
`વંદેમાતરમ’ રાષ્ટ્ર જાગરણની ગુંજઃ ભારતની આત્માનો સ્વર
આ આપણા દેશનો ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાને ભારતીય દ્દષ્ટિથી જોવાનો સમય છે
આપણા દેશના ઈતિહાસમાં એવા એક મહત્વના પડાવ આવ્યા, જયારે ગીતો, કળાઓએ અલગ અલગ રૂપે લોકભાવનાઓને સજાવીને આંદોલનનો આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી પછી તે છત્રપતિ શિવાજી મહારાજની સેનાનું યુદ્ધ ગીત હોય કે આઝાદીના આંદોલનમાં સેનાનીઓનું ગાન હોય. આ ગીતોએ ભારતીય સમાજને સ્વાભિમાનની પ્રેરણા આપીને એક કર્યા.
ભારતનું રાષ્ટ્રગીત `વંદેમાતરમ’નો ઈતિહાસ યુદ્ધ ભૂમિ નથી, બલકે એક વિદ્વાન બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના શાંત પરંતુ અડગ સંકલ્પથી શરૂ થાય છે. આ રચના ભારતની સ્વતંત્રતાનું શાશ્વત ગીત બની ગયું.
આ પવિત્ર શબ્દો લખતા બંકીમચંદ્રજી ભારતની ગહનતમ સભ્યતાગત જડમાંથી પ્રેરણા લઈ રહ્યા હતા. અથર્વ વેદના ઉદઘોષ `માતા ભૂમિઃ પુત્રો અહં પૃથિવ્યાઃ’ થી લઈને દેવી મહાત્મ્યમાં વિશ્વ માતાના આહવાનથી પ્રેરણા લઈ રહ્યા હતા.
બંકીમ બાબુનો આ મંત્ર અને પ્રાર્થના પણ હતા અને ભવિષ્યવાણી પણ હતા. `વંદેમાતરમ’ માત્ર ભારતનું રાષ્ટ્રગીત જ નહીં, માત્ર સ્વતંત્રતા આંદોલનનો પ્રાણ જ નહીં, બલકે આ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા `સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ની પ્રથમ ઉદઘોષણા છે. આ ગીતે આપણને યાદ અપાવ્યું કે ભારત માત્ર જમીનનો ટુકડો નથી બલકે એ ભૂ-સાંસ્કૃતિક રાષ્ટ્ર છે.

