New Delhi,તા.14
ગુજરાતમાં વરસાદનું જોર ધીમુ પડયુ છે પરંતુ ઉતર ભારતનાં રાજયોમાં ફરી મેઘતાંડવ તથા ભુસ્ખલનની સ્થિતિથી કુદરતનાં કહેરની હાલત સર્જાઈ છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજયોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટ મુજબ ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશ તથા ઉતર પશ્ચિમ બંગાળની ખાડી તથા ઓડીશાનાં તટીય ક્ષેત્રમાં બે લો-પ્રેસર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના પરીણામો ફરી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાવાનું અનુમાન છે. ઉતરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં પૂરપ્રકોપ તથા ભુસ્ખલનની હાલત યથાવત છે. અને હજુ સેંકડો માર્ગો બંધ છે.
ઉતરાખંડમાં અનરાધાર વરસાદ તથા ભુસ્ખલનથી મિલન-મુનસ્યારી માર્ગ ત્રણ દિવસે પણ ખૂલી શકયો નથી. ઉતરપ્રદેશમાં તોફાની વરસાદ તથા વિજળીનાં કડાકા ભડાકાનો કહેર યથાવત હતો. વિજળી પડવા સહિતની દુર્ઘટનાઓમાં 13 લોકોના મોત થયા હતા.
આ સિવાય ઓડીશામાં પણ વિજળી ત્રાટકતા ચાર લોકાના મોત થયા હતા. ઓડીશામાં ભારે વરસાદ હતો. ખેતરોમાં કામ કરતા અથવા વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા લોકો ભોગ બન્યા હતા.