Rajkot, તા.10
શાપરમાં 17 વર્ષીય ધવલ રાઠવાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જમીને વાડીએ બેઠો હતો ત્યારે ગભરામણ થવા લાગતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, ધવલ રતનભાઇ રાઠવા (ઉંમર વર્ષ 17, રહે. શાપર, રાવકી ગામના રસ્તે, રોહિતભાઈની વાડીએ) ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતા પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
ડોક્ટરે ધવલના મૃત્યુ અંગે જાહેરાત કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર એએસઆઈ મુકેશભાઈ ડાભી અને તેમના રાઇટર બ્રિજરાજસિંહ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ધવલ બે ભાઈમાં મોટો હતો. તે મૂળ વડોદરા જિલ્લાના જેતપુર પાવી પંથકનો વતની હતો.
અહીં પરિવારને ખેતીમાં મદદ કરતો હતો. ગઈકાલે રાત્રે જમીને તે વાડીએ બેઠો હતો ત્યારે પોતાને ગભરામણ થવા લાગતા પરિવારને જાણ કરી હતી. પરિવારજનો કંઈ સમજે તે પહેલા જ ધવલ બેભાન થઈ ગયો હતો. અને તેને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું.