Rajkot. તા.04
શહેરની ભાગોળે આવેલ ખીજડીયા ગામેથી 17 વર્ષીય સગીરા ભેદી રીતે લાપતા થઈ જતાં કુવાડવા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ખીજડીયા ગામે રહેતી 38 વર્ષીય મહિલાએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમા ત્રણ દીકરી તથા એક દીકરો છે.
જેમાં સૌથી મોટી બે દીકરીના લગ્ન થઈ ગયેલ છે, જે પોતાના સાસરે છે. સૌથી નાની દીકરી 17 વર્ષ 30 દિવસની છે અને ત્યારબાદ એક પુત્ર છે. મારા પતિનું 14 વર્ષ પૂર્વે હાર્ટ એટેક આવતા નિધન થયેલ હતું.
વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, ગત તા.03/08/2025 ના સવારના સાતેક વાગ્યે હુ મારા ઘરે રસોડામા જમવાનુ બનાવતી હતી. ત્યારે મારી દીકરી ફળીયામા સાફ સફાઈ કરતી હતી અને મારો દીકરો હીરેન સુતો હતો. થોડીવાર પછી મારી દીકરી કોઈ બોલાચાલી કરતી ન હોય જેથી મે રસોડામાથી મોટા અવાજે બુમ પાડતા પુત્રીનું નામ લઈને પૂછ્યું હતું કે શુ કરે છે ? તેમ કહેતા પુત્રીએ કોઈ જવાબ આપેલ નહી.
જેથી મે બહાર નીકળી તપાસ કરતા પુત્રી જોવામા આવેલ નહી. બાદમાં આજુબાજુમા તપાસ કરતા પણ પુત્રીનો કોઈ અતોપતો મળેલ નહિ. અંતે પુત્રી ભેદી રીતે લાપતા થઈ જતાં અંતે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મામલામાં કુવાડવા પોલીસની ટીમે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂ કરી છે.