દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પ્રેશર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે : ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
New Delhi, તા.૧૭
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાયું છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ૧૭ ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાઈ શકે છે. દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાની એન્ટ્રીના કારણે ભારે વરસાદની સંભાવના છે. તોફાનની સૌથી વધુ અસર કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જોવા મળી શકે છે. આ સિવાય અન્ય ઘણા રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે.
ચક્રવાતની સૌથી વધારે અસર કર્ણાટકમાં જોવા મળી રહી છે. રાજધાની બેંગલુરુમાં વરસાદ ચાલુ છે. બુધવારે પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બેંગલુરુમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાં સતત વરસાદને કારણે મંગળવારે ઘણા વિસ્તારો ડૂબી ગયા હતા. વરસાદના કારણે બુધવારે બેંગલુરુમાં ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ રમાઈ શક્યો ન હતો. દક્ષિણ-પશ્ચિમ રેલ્વેએ બેસિન બ્રિજ જંકશન અને વ્યાસપાડી રેલ્વે સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનો રદ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉડુપી, ઉત્તર કન્નડ, શિવમોગ્ગા, ચિક્કમંગાલુરુ, ચિત્રદુર્ગ, દાવણગેરે અને તુમકુરુ જિલ્લામાં આજે એટલે કે ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આંદામાન અને નિકોબારમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
કેરળમાં પણ વરસાદી માહોલ જારી છે. ભારતીય હવામાન વિભાગે કેરળના બે જિલ્લાઓ – ઉત્તર મલપ્પુરમ અને કન્નુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના દસ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છેઃ પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડ, વાયનાડ અને કાસરગોડમાં વરસાદ વરસી શકે છે. આ પહેલા બુધવારે કેરળના ઘણા ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
બુધવારે ચેન્નઈ સહિત તમિલનાડુના ઉત્તરીય ક્ષેત્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી રાહત મળી હતી. મંગળવારે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડી પર દબાણ ક્ષેત્ર ચેન્નાઈથી લગભગ ૩૬૦ કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી ૩૯૦ કિલોમીટર પૂર્વમાં અને આંધ્ર પ્રદેશમાં નેલ્લોરથી ૪૫૦ કિલોમીટર દક્ષિણપૂર્વમાં છે. વિભાગના જણાવ્યા અનુસાર, દબાણ ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ૧૭ ઓક્ટોબરની સવારે ચેન્નાઈ નજીક પુડુચેરી અને નેલ્લોર વચ્ચે ઉત્તરી તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આજે તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્ર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
તેલંગાણા અને કોંકણ અને ગોવામાં એક કે બે સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે.