Gandhinagar,તા. 10
નેપાળમાં હિંસક પ્રદર્શનના કારણે સ્થિતિ વણસી છે. કાઠમંડુમાં હિંસક પ્રદર્શન અને કરફ્યુ વચ્ચે 18 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાઈ ગયા છે. આ અંગે ગુજરાત કોંગે્રસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કેન્દ્ર સરકારને તમામ ગુજરાતીઓ પ્રવાસીઓને હેમખેમ ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા આગ્રહ કર્યો છે.
કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, નેપાળનું કાઠમંડુ એરપોર્ટ બંધ છે. આપણાં ઘણાં ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે. અમેરિકા સહિત અન્ય દેશોના નાગરિકો પણ કાઠમંડુમાં ફસાયા હતા. જો કે તે દેશની એમ્બસીના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા અને પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે. ભારત સરકાર દેશના નાગરિકો માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરી રહી?
કાઠમંડુ એરપોર્ટ પર કોઈ સ્થાનિક અધિકારી કે પુરતી સુરક્ષા પણ નથી. મહિલાઓ અને બાળકો ભયભીત છે. આ સાથે જ કોંગે્રસ સાંસદે વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરીને કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલા 18 ગુજરાતીઓના નામ સહિતની વિગતો આપી છે અને તેમને સુરક્ષિત ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પરત લાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હોવાનું જણાવ્યું છે.
મુખ્યમંત્રીએ લખ્યું છે કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટી તંત્ર દેશના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.