Botad, તા. 12
બોટાદના ગઢડીયા ગામે 19 વર્ષીય કુલદીપ રાઘવાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે પોતાના ઘરે પગલું ભરી લીધા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
બનાવની વિગત મુજબ, કુલદીપ રમેશભાઈ રાઘવાણી (ઉંમર વર્ષ 19, ગઢડીયા ગામ, જીલ્લો બોટાદ) ગઈકાલે બપોરે 1:00 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જતા પ્રથમ બોટાદ જીવનધારા હોસ્પિટલ બાદ જસદણની ડો.રામાણીની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અર્ધ બેભાન હાલતમાં લાવતા વોર્ડ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવેલ. જેનું ચાલુ સારવાર દરમિયાન રાત્રે 12:30 વાગ્યા આસપાસ મૃત્યુ નીપજ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એ.એસ.આઇ. રામશીભાઈ વરૂ, હેડ કોન્સ્ટેબલ મહેશભા જોગડા, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રકાશભાઈ રાઠોડ અને ધર્મેન્દ્રભાઈ ચાવડાએ જરૂરી કાગળ કાર્યવાહી કરીને બનાવ પાળીયાદ પોલીસ મથક વિસ્તારનો હોય પાળીયાદ પોલીસને જાણ કરી હતી.
પરિવારજનોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કુલદીપ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તે અપરણિત હતો, પોતે ડ્રાઇવિંગ કામ કરતો હતો. ગઈકાલે ઘરે અન્ય કોઈ હાજર નહોતું ત્યારે કુલદીપ એ આ પગલું ભરી લીધું હતું. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.