Rajkot,તા.૬
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બુધવારના રોજ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલા ધારેશ્વર બસ એન્ડ પાસેથી ૨૫ વર્ષીય જગદીશ ભોજક તેમજ ૨૫ વર્ષીય વિજયસિંહ વાઘેલા નામના વ્યક્તિઓની ૪,૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી, આ મામલે વધુ તપાસ કરતા આ કેસના તાર છેક રાજસ્થાન સુધી લંબાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, ત્યારે રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા ભાવેશસિંહ રાજપુત ઉર્ફે ભનવારારામ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સિનિયર પીઆઇ એસ. એમ. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ રાહથી હકીકતને આધારે આ કાર્યવાહી કરી હતી. જેમાં અગાઉ દારૂના કેસમાં પકડાઈ ચૂકેલા જગદીશ ભોજક તથા વિજય સિંહ વાઘેલા નામના વ્યક્તિઓ ક્રેટા કારમાં માદક પદાર્થનો જથ્થો સાથે થોડીવારમાં રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સરધાર ગામ પાસેથી પસાર થવાના છે.
આ હકીકતના આધારે વોચ ગોઠવતા આરોપીઓ ક્રેટા કારમાંથી પસાર થતાં તેને ઉભી રખાવામાં આવી હતી. ત્યાર બાદ જગદીશ ભોજકની અંગજડતી કરતા તેની પાસેથી એક વેક્યુમ પેક કોથળીમાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. તેમજ તે પોતે જોધપુર રાજસ્થાનના ડીપીએસ સર્કલ ખાતેથી ભાવેશસિંહ રાજપુત પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ક્રેટા કાર સહિત કુલ ૧૪ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી બંનેને પકડી પાડ્યા હતા. વધુમાં આ બંને આરોપીઓની પુછપરછ કરતા, આરોપી જગદીશ ભોજક અગાઉ પણ બે વાર મેફેડ્રોન ડ્રગ્સ ભાવેશસિંહ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે વિજય સિંહ વાઘેલાની પૂછપરછ કરતા તેણે અગાઉ ત્રણથી ચાર વખત ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. જેમાંથી જગદીશ ભોજક સાથે એકવાર ડ્રગ્સ લેવા ગયો હતો.
નોંધનીય છે કે, પોલીસ તપાસમાં જગદીશ ભોજક વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમ અંતર્ગત ચાર જેટલા ગુના અગાઉ દાખલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ વિજય સિંહ વાઘેલા વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.