Rajkot, તા.1
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કમોસમી વરસાદ હજુ ચાલુ રહ્યો છે. અને 81 તાલુકામાં 0.5થી 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને આજે વહેલી સવારે 5-30થી 6-30 દરમ્યાન જ રાજકોટમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા.
આજે વહેલી સવારે નગરજનો મિઠી નિંદ્રા માણી રહ્યા હતા. ત્યારે, મેઘરાજાએ જોરદાર કૃપા વરસાવી દીધી હતી. રાજકોટ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આજે સવારે 8 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 51, ઈસ્ટમાં 35 અને વેસ્ટ ઝોનમાં 40 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ઉપરાંત જિલ્લાનાં પડધરીમાં સવા, ગોંડલ, જેતપુર, કંડોરણા, લોધીકામાં 0.5 ઈંચ, તેમજ અમરેલીના રાજુલામાં 3.5, ખાંભામાં-3, જાફરાબાદમાં 2, તથા ભાવનગરના તળાજામાં 2.5, ગિર સોમનાથનાં ઉનામાં પોણા બે, દ્વારકાના ભાણવડમાં 1.5, ખંભાળીયામાં સવા, લિંબડી-ચોટીલા અને થાનમાં 1, તથા જામનગરના કાલાવડમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ભાવનગર જીલ્લામાં સતત 7માં દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. શનિવારે સવારે 6થી 8 બેજ કલાકમાં ઉમરાળામાં દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો. જયારે પાલીતાણા સિહોર અને વલભીપુરમાં અડધો ઈંચ વરસાદ પડયો છે. તાળાજામાં 2.5 ઈંચ વરસાદ પડયો હતો.
છેલ્લા એક અઠવાડીયાથી ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ વરદી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આજે શનિવારે સવારે છથી આઠ દરમિયાન ભાવનગર જીલ્લાના ઉમરાળામાં 31 વલભીપુરમાં 15 મી.મી. સિહોરમાં 15 મીમી. પાલીતાણામાં 12 મી.મી. તેમજ જામનગર જીલ્લામાં સતત ધાબડીયા વાતાવરણ વચ્ચે ગઈકાલે સાંજથી જ વરસાદી વાતાવરણ વધારે રહેતા મોડી રાતથી જીલ્લાના ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
જેમાં કાલાવડમાં એક ઈચ જયારે જામનગર ધ્રોલ અને જામજોધપુરમાં પોણો પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આમ જામનગર જીલ્લાની અંદર સતત વરસી રહેલા વરસાદને લીધે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધુ જ રહ્યું છે.
જામનગર જીલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં છેલ્લા 24 કલાક દરમિયાન એટલે કે આજે સવારે છ વાગ્યા સુધીમાં વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો કાલાવડમાં 25 મીમી, જામનગરમાં 16 મીમી, જામજોધપુરમાં 16 મીમી, અને ધ્રોલમાં 14 મીમી વરસાદ નોંધાયો છે.
આ કાલાવડ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાતા નદીનાળાઓમાં નીર આવ્યા હતા જયારે શિયાળાની સીઝન પણ સાથે કમોસમી વરસાદ અને પવન પણ સાથે હોય જેથી લોકોએ ગરમ સ્વેટર અને રેનકોટ પહેરવા પડે તેવી સ્થિતિ હતી.
ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી જામનગર જીલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગઈકાલે મોડી સાંજથી કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, હકુમતી સરવાણીયા, ધુન ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. મોડી રાતથી વાતાવરણમાં એકાએક પલ્ટો જોવા મળ્યો. કારતક માસમાં અષાઢી માસ જેવો માહોલ સર્જાયો.
વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને ખેતરોમાં પર ફરી વળ્યા હતા. સરેરાશ 2 ઈંચ કરતા વધુ વરસાદ પડી ગયો હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભેલા પાકને નુકશાન થાય આવી સ્થિતિ સર્જાઈ છે.
ખેતરોમાં તૈયાર થયેલ પાથરા પલળી ગયા. ધરતીપુત્રોને મોઢામાં આવેલ કોળીયો છીનવાઈ જશે એવી ભીતિ સેવાઈ રહી છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકશાનની ભીતી સેવાઈ રહી છે. કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

