Jamnagar,તા.04
લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ બે માનવ જિંદગીનો ભીગ લીધો છે. નદી કાંઠે કપડાં ધોઇ રહેલા ચાર પરપ્રાંતીય શ્રમિકો પર એકાએક પ્રચંડ કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. અન્ય બે મજુરોને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં લાલપુર મામલતદારની ટીમ તથા પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી પંચનામા સહિતની તપાસ-કાર્યવાહી કરી હતી.આ અરેરાટીજનક બનાવની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં રહીને ખેતમજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની એવા ચાર શ્રમિકો પૈકી કરણ જ્ઞાાનસિંગ ડાવર (30 વર્ષ) તેમજ ભુરસિંગ વાસકેલા (35 વર્ષ) કે જેઓ સેવક ધુણિયા ગામની નદીના કાંઠે ચાલુ વરસાદે કપડા ધોઇ રહ્યા હતા, તે દરમિયાન બપોરે 2.૦૦ વાગ્યાના અરસામાં તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડવાના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડયા હતા અને બન્નેના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે જ કપડા ધોઈ રહેલા અન્ય બે શ્રમિકો ગોપાલ ડાવર (ઉ.વ. 30) તેમજ મહેતાબ ડાવર (ઉ.વ. 36) પણ આકાશી વીજળીની ઝપટે આવીને દાઝી ગયા હોવાથી બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત બે પરપ્રાંતીય શ્રમિકો કે જેઓના મૃત્યુ થયા હતા, જે મૃતદેહોને લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જયાં પોલીસ દ્વારા પંચનામુ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.