Rajkot,તા.11
કોટડાસાંગાણીના પડવલામાં કારખાનું ધરાવતાં અને રાજકોટના નાનામવા રોડ પર વ્રજ કોમ્પલેક્ષમાં રહેતાં મહેક ચોવટીયા અને તેના કૌટુંબિક કાકા આશિષ ભંડેરીને ધંધાના એમઓયુ કરવાના બહાને બિહારના પટના બોલાવી, બંનેના અપહરણ કરી લઈ, ખંડણી વસૂલ કરનાર બિહારની ગેંગના 6 સભ્યોની શાપર પોલીસે ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ગેંગના સભ્યોએ બિહારના નાલંદા જીલ્લામાં રહેતી આઈટી એક્ષપર્ટ સંગીતા ઉમેશપ્રસાદ મહાતો (ઉ.વ. 20)ને પણ પોતાની ગેંગમાં સામેલ કરી હતી. જે ભોગ બનનાર પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા સહિતના કામોમાં મદદ કરતી હતી. સંગીતા એટલી ચબરાક છે કે પોલીસને ચકમો આપવા શરૂઆતમાં તેણે પોતે અંગુઠા છાપ હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પોલીસે તેના વિશે ખાનગીમાં તપાસ કરતાં નીટની પરીક્ષા પાસ કરી ચુકી હોવાની માહિતી મળી હતી. બિહારની આ ગેંગના મુખ્ય સૂત્રધાર રંજીત ઉર્ફે મુન્ના અરવિંદ સરજુપ્રસાદ (ઉ.વ. 36), બિકાસ ઉર્ફે મોહિત મનોજ રામવ્રીચ (ઉ.વ. 25), કુંદન અરૂણકુમાર યાદવ (ઉ.વ. 21), લાલબિહારી ઉગ્રસેન યાદવ (ઉ.વ. 25), બીપાત્રા લાલદેવસીંગ હરીચરણસીંગ (ઉ.વ. 35) અને સંગીતાનો શાપરના પીઆઈએ પટનાની બેઉર જેલમાંથી કબજો મેળવી શાપર લઈ આવી ધરપકડ કરી હતી. ત્યાર પછી છએય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આવતીકાલે ફરિયાદી અને સાહેદ સમક્ષ કોટડાસાંગાણી ખાતે આરોપીઓની ઓળખપરેડ કરાવાશે. શાપર પોલીસની તપાસમાં એવું ખુલ્યું છે કે મુખ્ય સૂત્રધાર રંજીત ત્રણેક વર્ષ ગુજરાતમાં રહી ચુકયો છે. જેને કારણે ગુજરાતી ભાષાથી પરિચીત છે. તેણે તેની ગેંગ સાથે મળી અગાઉ અમદાવાદના નરોડાના વેપારીનું પણ અપહરણ કરી ખંડણી વસૂલી હતી. જે અંગે નરોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ પછી રાજકોટના એક કારખાનેદારને પણ બિહાર બોલાવી, અપહરણ કરી રૂા 30 લાખ પડાવ્યા હતા. જો કે આ કારખાનેદારે ફરિયાદ નોંધાવવાનો સાફ ઈન્કાર કર્યો છે.
બિહારની ખંડણીખોર ગેંગ ખતરનાક પણ છે. આ ગેંગે પુનાના એક વેપારીનું અપહરણ કરી તેને ઢોર માર મારી પતાવી દીધો હતો. જેને કારણે પુનાની એલસીબી તપાસમાં બિહાર પહોંચી હતી. બરાબર તે જ વખતે શાપર પોલીસ કારખાનેદારના અપહરણ અને ખંડણીના કેસમાં તપાસ માટે ફરિયાદીને લઈ બિહાર પહોંચી હતી. પુના અને શાપરની પોલીસ સાથે બિહારની એસટીએફ એટલે કે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમ પણ જોડાઈ હતી. આ રીતે સંયુકત ઓપરેશન કરી ગેંગના છ સભ્યોને ઝડપી લીધા હતા.
પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે ઝડપાયેલી ગેંગ કયારેય પણ પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી ન હતી. તેને બદલે આ ગેંગ જેનું અપહરણ કર્યું હોય તેના મોબાઈલ ફોન પડાવી લઈ તેના સીમકાર્ડનો બીજા અપહરણમાં ઉપયોગ કરતી હતી. બીજું અપહરણ થઈ ગયા બાદ તેમાં ભોગ બનનારના સીમકાર્ડનો પછી ત્રીજા અપહરણમાં ઉપયોગ કરતી હતી. સૂત્રધાર રંજીત ભોગ બનનાર જો ગુજરાત તરફનો હોય તો ત્યાંની ભાષાના લહેકાનો જયારે સૌરાષ્ટ્રનો હોય તો ત્યાંની ભાષાના લહેકાનો ઉપયોગ કરતો હતો. તેટલી હદે તેણે ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું હતું.