Ahmedabadદ,તા.10
ભારતમાં સાઈબર ફ્રોડનાં વધતા કિસ્સાઓમાં લોકો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. છેતરપીંડી રોકવા સરકારના નવા પગલા છતાં સાઈબર માફિયાઓ નવા રસ્તા શોધી લે છે તેવા સમયે ગુજરાતના લોકોએ છેલ્લા નવ મહિનામાં સાઈબર ફોડમાં 1011 કરોડ ગુમાવ્યા હોવાનો રિપોર્ટ જારી થયો છે.
નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમા જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનામાં સાઈબર ફ્રોડની 1.42 લાખ ફરીયાદો થઈ હતી અને તેમાં લોકોએ 1011 કરોડ ગુમાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 4.81 લાખ ફરીયાદોમાં લોકોએ 3387.02 કરોડ ગુમાવ્યા હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષનાં નવ મહિનાનો આંકડો સાઈબર ફ્રોડમાં મોટો વધારો થયાનું સુચવે છે.
સાઈબર ક્રાઈમ વિભાગના કહેવા પ્રમાણે લાલચ અને ધાકધમકીમાં લોકો નાણાં ગુમાવે છે. વર્ષ 2020 થી પાંચ વર્ષમાં ગુજરાતમાં દરરોજ 155.5 અને દર કલાકે 6.5 સાઈબર ફ્રોડ ફરિયાદ નોંધાતી હતી. પરંતુ ચાલુ વર્ષે તેમાં ચોંકાવનારો વધારો થયો છે. 9 મહિનામાં 1.42 લાખ સાઈબર ફ્રોડની ફરીયાદોનો અર્થ એવો થાય છે કે દરરોજ 521 અને દર કલાકે 21 સાઈબર ફ્રોડ થાય છે જે 200 ટકાનો ધરખમ વધારો સુચવે છે.
અધિકારીઓએ કહ્યું કે, પેન્શનરો સૌથી વધુ નિશાન બને છે. સાઈબર માફીયાઓ એક યા બીજી રીતે પેન્શન સંબંધી લીંક મોકલીને ફસાવે છે. એપીકે ફાઈલ ખોલતાની સાથે જ તેઓનું લીંક ખાતુ સાફ થઈ જાય છે.
રસપ્રદ બાબત એ છે કે, સાઈબર ફ્રોડના દરેક કેસમાં સરેરાશ રકમ એકસરખી જ છે.માત્ર 1.3 ટકાની વૃદ્ધિ છે.2020 થી પાંચ વર્ષમાં સાઈબર ફ્રોડના દરેક કેસમાં સરેરાશ 70313 ગુમાવાયા હતા. 2025 માં 67 કેસ દીઠ ગુમાવેલી રકમનો આંકડો 71204 હતો.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે સાઈબર માફીયાઓ છેતરપીંડી માટે નવા-નવા રસ્તા શોધી લે છે ટ્રાફીક મેમો લગ્નનાં ઈન્વીટેશન, આરટીઓ ચલણ, પોસ્ટ ઓફીસની બનાવટી લીંક જેવા અનેક માર્ગ અપનાવે છે. મોટી કે નોંધપાત્ર રકમ ગુમાવનારા લોકો ફરીયાદ નોંધાવે છે કે બાકી સાઈબર શિકાર બનવા છતાં ફરિયાદ ન કરનારા લોકોની સંખ્યા પણ મોટી હોવાનું માનવામાં આવે છે.

