Rajkot, તા.11
યુવા વયે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. તંદુરસ્ત યુવાનો પણ હૃદય રોગનો ભોગ બની રહ્યા છે, ત્યારે રાજકોટમાં ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેકથી અકાળા ગીરના 22 વર્ષીય સાત્વિક સોલંકીનું સારવારમાં મોત નીપજ્યું હતું. પરિવારના એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. સાત્વિક રાજકોટમાં રૂમ ભાડે રાખી મિત્રો સાથે રહેતો અને રેલવે પરીક્ષાની તૈયારી કરતો હતો. તેને ક્રિકેટનો શોખ હોવાથી ગઈકાલે રવિવાર હોય,
બપોર બાદ સમરસ હોસ્ટેલ પાસેના ગ્રાઉન્ડમાં રમવા ગયેલો. જ્યાં સાંજે રમત પુરી થયા બાદ અચાનક બેભાન થઈ ગયો હતો. બનાવની વિગત મુજબ, માળીયા હાટીના તાલુકાના અકાળા (ગીર) ગામના કારડીયા રાજપૂત પરિવારનો યુવાન પુત્ર સાત્વિકભાઈ રામસિંહભાઈ સોલંકી (ઉંમર વર્ષ 22) ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ રાજકોટની સમરસ હોસ્ટેલ સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.
રાજકોટમાં રહેતા મૃતકના ફઈના દીકરા સૌરભભાઈ ડોડીયાએ આ અંગે જણાવ્યા મુજબ, સાત્વિકભાઈ રાજકોટના વિમલનગર શેરી નંબર 4માં રૂમ ભાડે રાખીને પોતાના મિત્રો સાથે રહેતો હતો. તેમનો પરિવાર અકાળા ગીરમાં રહે છે. પિતા ખેતી કામ કરે છે. સાત્વિક તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો.
અહીં રાજકોટમાં રહી તે રેલવેની પરીક્ષાની તૈયારી કરતો હતો. તેને ક્રિકેટ રમવાનું બહુ શોખ હોવાથી ગઈકાલે રવિવાર હોવાથી બપોર બાદ સમરસ હોસ્ટેલ પાસેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. સાંજે છ વાગ્યા આસપાસ ક્રિકેટની રમત પૂરી થઈ ગઈ હતી અને બધા યુવાનો પોતાના ઘર તરફ જવાની તૈયારી કરતા હતા ત્યારે જ અચાનક સાત્વિક થઈ ગયો હતો. હાજર યુવાનોએ તેના ચહેરા ઉપર પાણી છાંટ્યું હતું અને તેને પાણી પીવડાવ્યું હતું.
એટલી વારમાં 108 આવી જતા 108 માં બેસાડીને સાત્વિક ને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. રસ્તામાં સાત્વિક પાનમાં જતો અને બીજા યુવાનો સાથે વાત પણ કરતો હતો. જોકે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા બાદ ઇસીજી કરાતા સાત્વિકને હાર્ટ એટેકની અસર હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટરો વધુ કોઈ સારવાર આપે તે પહેલા જ હૃદય રોગનો બીજો હુમલો સાત્વિકને આવ્યો હતો.
તેમણે દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ થતા અકાળા ગીર ખાતેથી પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવાનના મોતના બનાવથી ભારે કલ્પાંત છવાયો હતો.

