Jamnagar તા.7
વાહનોમાં 28 ટકા જીએસટીમાં ઘટાડો કરીને 18 ટકા કરી દેવામાં ટુ-વ્હીલરોમાં આઠ થી દસ હજાર તો ફોર વ્હીલરોમાં 50 હજારથી વધુ ફાયદો થતો હોવાથી જામનગરમાં નવરાત્રીમાં 2392 ટુ-વ્હીલર અને ફોર વ્હીલરોની ખરીદી કરીને ધુમ મચાવી દીધી છે. વાહનના ડીલરોને વ્યાપક ફાયદો થયો છે. જીએસટી ઘટવાના કારણે વાહન વેચાણમાં ગત વર્ષ કરતા 40 ટકા જેટલો વધારો થયો છે. લોકોએ વાહનો ખરીદીને રુ.3 કરોડથી વધુનો ફાયદો મેળવ્યો છે. અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ પણ વધ્યું છે.
જામનગરમાં જીએસટીના નવા દર સાથે નવરાત્રિના પ્રથમ દિવસે નવા વાહનની ખરીદી કરનાર ગ્રાહકોને રુ.7 હજારથી લઈને રુ.10 હજાર સુધીનો ટુ-વ્હીલરોમાં અને 50 હજારથી વધુ કારની કીમતમાં ગ્રાહકોને ફાયદો થયો છે.
જેથી જામનગરમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની લોકોએ ધુમ ખરીદી કરી હતી. પ્રથમ નોરતે જ નવા વાહનોની લોકોએ ખરીદી શરૂ કરી દીધી હતી અને નવરાત્રિના તહેવાર દરમ્યાન લોકોએ 1972 ટુ-વ્હીલરોની અને 422 થી વધુ ફોર વ્હીલરોની ખરીદી કરીને ધુમ મચાવી દીધી હતી. તો ઈલેક્ટ્રિક બાઈકની પણ લોકોએ ખરીદી કરી છે.
જ્યારે ગત નવરાત્રિના તહેવારોમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના થયેલા વેંચાણમાં આ વખતે 40 ટકા જેવો વધારો જોવા મળી રહ્યો હોવાના ટુ-વ્હીલરના શો-રૂમના સંચાલકે જણાવ્યું હતું. ગત વર્ષે 1000 જેટલા ટુ-વ્હીલરોનું વેચાણ થયું હતું. જેની સામે આ વર્ષે 1972 ટુ-વ્હીલરનું વેચાણ થતાં ડીલરોને ફાયદો થયો છે.વાહનોમાં થયેલા જીએસટી ઘટાડાના કારણે લોકોએ ટુ-વ્હીલર, ફોર વ્હીલર વાહનોની ખરીદી કરીને રુ.3 કરોડથી વધુનો ફાયદો મેળવ્યો છે. તો બીજી બાજુ જીએસટીમાં ઘટાડાના કારણે ડીલરોને પણ ફાયદો થયો છે.
આ ઉપરાંત સ્માર્ટફોન, એલઈડી ટીવી, ફ્રિજ, એસી અને વોશિંગ મશીન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં પણ જીએસટીના ઘટાડાના કારણે લોકોએ સ્માર્ટ ફોન, એલઈડી ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની ખરીદી કરવામાં આવી હતી.