Sydney,તા.08
હાલમાં જ પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોના ફ્લોપ જવાની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનની પણ ટીકા થઈ રહી છે. આખી શ્રેણી દરમિયાન મોટાભાગનાં ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં.
જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ રન બનાવ્યાં હોય તેવું પણ નહોતું. એકંદર આંકડા દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયામાં બેટ્સમેન માટે આ છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી મુશ્કેલ શ્રેણી રહી છે.
આમાં બંને બાજુના બેટ્સમેનોનો સમાવેશ થાય છે. બેટિંગના દૃષ્ટિકોણથી, કેટલાક કિસ્સાઓમાં આ સીઝન ઓસ્ટ્રેલિયન ટીમ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ રહી છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં કુલ 4080 રન બનાવ્યાં હતાં જેમાં ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેનોએ 2117 રન બનાવ્યાં હતાં જ્યારે ભારતીય બેટ્સમેનોએ 1963 રન બનાવ્યાં હતાં.
સૌથી ઓછી બેટિંગ એવરેજ
બોર્ડર-ગાવસ્કર સિરીઝ 2024 ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં ત્રણ દાયકામાં બેટિંગની દ્રષ્ટિએ સૌથી મુશ્કેલ શ્રેણી રહી છે. છેલ્લાં ત્રણ દાયકામાં ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચોની 10 ટેસ્ટ શ્રેણી રમાઈ છે. છેલ્લી શ્રેણીમાં બેટ્સમેન 24.43 ની બેટિંગ એવરેજથી રન બનાવી શક્યાં હતાં.
1995 પછી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં આ સૌથી ઓછી સરેરાશ છે. આ સમગ્ર શ્રેણીમાં માત્ર 15 અડધી સદી ફટકારવામાં આવી હતી, જે 1995 પછી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી પાંચ મેચોની શ્રેણીમાં સૌથી ઓછી છે.
સમગ્ર શ્રેણીમાં સાત વખત ઇનિંગ્સનો અંત 200થી ઓછા રનનાં સ્કોર સાથે થયો હતો. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં માત્ર બે વખત જ ટીમ 200 થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
મિડલ ઓર્ડરનો પણ સંઘર્ષ
શ્રેણીમાં, બેટ્સમેનોને નવાં અને જૂના બંને બોલ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. શ્રેણીમાં બંને ટીમોનાં ટોપ-3 બેટ્સમેનોની બેટિંગ એવરેજ 25.87 હતી. ત્રણ દાયકામાં આ ચોથી સૌથી ખરાબ સરેરાશ છે. બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 39.32 હતો જે સૌથી ખરાબ છે.
મિડલ ઓર્ડરનું પ્રદર્શન પણ ઘણું નબળું હતું. આ સ્કોરમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતાં 14 ખેલાડીઓએ 1847 રન બનાવ્યાં હતાં. છેલ્લાં ત્રણ દાયકામાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં મિડલ ઓર્ડર દ્વારા આ સૌથી ઓછાં રનનું યોગદાન છે. તેની એવરેજ પણ 27.56 હતી.
ઝડપી બોલરોના નામે 87 ટકા વિકેટો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં કુલ 165 વિકેટ પડી હતી. તેમાંથી 145 એટલે કે 87 ટકા વિકેટો ઝડપી બોલરોએ લીધી હતી. આ શ્રેણીમાં ઝડપી બોલરોનો સ્ટ્રાઈક રેટ 41.2 હતો, એટલે કે ઝડપી બોલરો લગભગ દરેક 41 માં બોલ પર વિકેટ લેતાં રહ્યાં હતાં. ઝડપી બોલરોની બોલિંગ એવરેજ પણ 23.14 હતી.
આ સ્ટ્રાઈક રેટ અને એવરેજ 1995 પછી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 10 પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ છે. આ સમયગાળા દરમિયાન, આ સ્ટ્રાઈક રેટ વિશ્વભરમાં રમાતી શ્રેણીમાં પણ શ્રેષ્ઠ છે.
શ્રેણીમાં સ્પિનરોની ભૂમિકા નહિવત હતી. આખી શ્રેણીમાં બંને ટીમોનાં સ્પિનરોએ માત્ર 255.3 ઓવર જ ફેંકી હતી. તેનાં ખાતામાં માત્ર 19 વિકેટ આવી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં સ્પિનરો દ્વારા લેવામાં આવેલી આ સૌથી ઓછી વિકેટો છે.