Jamnagar તા ૧
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા ૨૪ વર્ષ ના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નારણપર ગામમાં રહેતા મિલન પાલાભાઈ ખરા નામના ચોવીસ વર્ષીય યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યો હતો. જેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે યુવાન હાલ બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ છે.
પ્રાથમિક તપાસમાં પોતે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હતો, અને નાણા ચૂકવી શકે તેમ ન હોવાથી કંટાળી જઇ ઝેર પી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની જાત થતાં પંચકોશી એ. ડિવિઝન નો પોલીસ કાફલો બનાવના સ્થળે અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને ઝેરી દવા પી લેનાર યુવકના પરિવારજનોનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.