Rajkot, તા.19
શેરબજારમાં નાના ઇન્વેસ્ટરોને સટ્ટાના રવાડે ચડતા બચાવવા માટે સેબી દ્વારા અનેક કદમ ઉઠાવવામાં આવી જ રહ્યા છે. આવતા મહિનાથી ‘લોટ સાઇઝ’માં બદલાવ લાગૂ પડવાનો છે જે અંતર્ગત નિફટીની વર્તમાન અની લોટસાઇઝ ત્રણ ગણી અર્થાત 75ની થશે. અન્ય ફ્યુચર ઇન્ડેક્સમાં પણ નવા મોટા લોટ જાહેર કરવામાં આવ્યા છે.
શેરબજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનના લોટ સાઇઝ સહિતના ફેરફારો આગામી 20મી નવેમ્બરથી લાગુ થવાના છે. મોટા લોટ રાખવામાં આવે તો માર્જીન પેટે મોટી રકમ ચુકવવી પડે એટલે નાના ઇન્વેસ્ટરો તેનાથી દૂર રહીને સટ્ટાખોરી કરતા અટકે તેવા ઉદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોએ કહ્યું કે ઇન્ડેક્સ ડેરીવેઇટીવ્ઝમાં નવી લોટસાઇઝ નક્કી કરી લેવામાં આવી છે. 20 નવેમ્બર પછીના તમામ કોન્ટ્રાક્ટમાં નિફટીનો લોટ 75નો રહેશે જે વર્તમાન 25 કરતા ત્રણ ગણો થશે.
આ જ રીતે બેંક નિફટી વર્તમાન લોટસાઇઝ 15 છે તે 30ની થશે. નિફટી ફાઇનાન્સીયલ સર્વિસની લોટસાઇઝ 25થી વધીને 65, નિફટી મીડકેપ સિલેક્ટની 50વાળી 120 તથા નિફટી નેક્સ્ટ 50ની લોટસાઇઝ વર્તમાન 10થી વધીને 25ની થશે.
નાના ઇન્વેસ્ટરો રાતોરાત ધનવાન બનવા માટે વધુ પડથો સટ્ટો રમતા હોવાનું ધ્યાનમાં આવતા આ કદમ ઉઠાવાયા છે. ખૂદ સેબીના સર્વેમાં રહેવું બહાર આવ્યું હતું કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કામ કરતા 90 ટકાથી વધુ ઇન્વેસ્ટરો-ટ્રેડરો નુકશાન કરે છે.
આ હકીકતને પગલે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની વાસ્તવિક સ્થિતિથી જાણકાર વર્ગમાં પણ ગણગણાટ થવા લાગ્યો છે. માર્કેટની તંદુરસ્તી માટે પણ લગામ જરૂરી ગણાવાતી હતી જેને પગલે સેબીએ ફ્યુચર ટ્રેડિંગમાં લોટ સાઇઝ વધારવા સહિતના નિર્ણય લીધા હતા.