Ahmedabad, તા.૨૪
ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીની આવકના પગલે સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડાયું છે. જ્યારે પાણી છોડતાં બાકરોલ ગામના ૨૫ લોકો ફસાયા છે. જેમાંથી પાંચ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે નદીકાંઠે ગ્રામજનો એકઠા થયા છે. જ્યારે તંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
નોંધનીય છે કે, સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના ૨૫ ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં હાલ ૫૧૧૨૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે. વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા અપીલ કરાઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદ થતાં ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના ૨૫ ગેટ ખોલવામાં આવ્યા છે.
આજે સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવા માટે અને પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના ૨૫ ગેટ ખોલવામાં આવ્યા છે. સિંચાઇ ખાતાએ વાસણા બેરેજનાં ૨૫ દરવાજા ૬ ફૂટ ખોલી નાખતાં નદીમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાને કારણે લોકો માટે વોકવે બંધ કરવામાં આવ્યો છે.
પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોને પણ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ કિનારા સુધી ન જાય અને સુરક્ષિત જગ્યા પર ખસી જાય.