Surendranagar,તા.૨૪
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકડી ગામે ૨૫ વર્ષીય જયેશ મેણીયા નામના યુવકે જીવન ટૂંકાવી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પ્રથમ તબક્કામાં યુવકનો મૃતદેહ સ્વીકાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ કરવા અંગે અને આરોપી ઉપર કડક પગલાં ભરવા અંગેની ખાતરી આપતા ત્યારબાદ મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા ઉપર એપ મારફતે યુવતીનો નંબર મેળવી અને ત્યારબાદ ચેટિંગ કરી અને મૃતક યુવક દ્વારા યુવતીને ઉપસરપંચનો નંબર આપી દીધા બાદ ઉપસરપંચ સાથે વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો અને સમગ્ર મામલે સાંકળી ગામના ઉપસરપંચ દ્વારા યુવકને ઉઠાવી લઈ જઈ અને ઢોર માર મારી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું પરિવારજનો દ્વારા જણાવામાં આવ્યું છે. એટલું જ નહીં ઉપસરપંચે તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.
આ અંગે વઢવાણ પોલીસને જાણ કરવામાં આવતા વઢવાણ પોલીસ દ્વારા માત્ર ઘટનાને અરજી લેવામાં આવી હતી, ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ઉપસરપંચ રાજુ કાળુ ખાચર સામે કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા ત્યારે, ૧૦ દિવસની સારવાર બાદ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે યુવકનું મોત થયું છે. જેને લઇને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે, પ્રથમ તબક્કામાં યુવકના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો અને આ બાબતે તપાસ અને નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી આપતા કલાકો પછી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
હાલના તબક્કામાં ઉપસરપંચને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાવવામાં આવી છે, જેમાં એસઓજી, એલસીબીની ટીમો પણ કામે લગાવડવામાં આવી છે. આ અંગે વધુ તપાસ વઢવાણ પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવી છે.

