Beijing,તા.17
બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે એવી ઘટનાઓ કયારેક ચીનમાં વાસ્તવમાં બનતી જોવા મળે છે. વાત એમ છે કે શી કિનશુઈ નામનો 26 વર્ષનો યુવક જયારે ત્રણ મહિનાનો હતો ત્યારે તેનું અપહરણ થયેલું. બાળપણ અનાથાશ્રમમાં વિતાવ્યું અને મોટો થયા પછી એક લાઈવ સ્ટ્રીમીંગ ચેનલમાં નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવે છે.
જો કે બીજી તરફ તેનાં કરોડપતિ માબાપે દીકરાને શોધવા માટે આકાશપાતાળ એક કર્યાં. આટલા વર્ષોમાં દીકરાને શોધવા માટે તેમણે એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાખ્યો હતો. જો કે તાજેતરમાં જયારે જિનેટીક ટેસ્ટથી ખબર પડી કે શી તેનો દીકરો છે ત્યારે માબાપ અને દીકરાનું ખૂબ ભાવભર્યું મિલન થયું.
દીકરાની ઘરવાપસીની ખુશીમાં પેરન્ટસે લેવિશ પાર્ટી આપી અને એ પાર્ટીમાં દીકરાના નામે કેટલાક લકઝુરિયસ ફલેટસ અને કારનો કાફલો આપ્યો. જો કે દીકરાએ એ મોંઘીદાટ ભેટને નકારી કાઢી.
તેણે કહ્યું કે પૈસાની અછતમાં જ હું જીવ્યો છું. અચાનક આટલી બધી સંપતિ મેળવીને હું છકી જવા નથી માંગતો. જો કે તેણે માબાપને એક સાદો ફલેટ પોતાના નામે રાખવાનું કહ્યું છે અને એમાં તે લગ્ન પછી પત્ની સાથે ત્યાં જ રહેશે. માબાપનાં કરોડોની સંપતિથી શી જરાય ચળ્યો નથી એ વાતની લોકોએ ચીની સોશ્યલ મીડીયામાં ખૂબ વખાણ કર્યા છે.