Surendranagar,તા.15
સુરેન્દ્રનગરમાં દિવાળીને લઇ ફટાકડાં વેચવા માટે અત્યારસુધીમાં માત્ર 26 વેપારીઓએ અરજી કરી છે. તેની સામે હાલ ઠેરઠેર છૂટક વેચાણ કરતી 50થી વધુ હાટડીઓ ધમધમવા લાગી છે. આવેલી અરજીઓ અંગે સ્થળ ચેકિંગ બાદ ફાયર વિભાગ એનઓસી આપશે.
ગત વર્ષે 28 અરજી આવી હતી. દિવાળી પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે. ફટકડાંના 26 વેપારીઓ દ્વારા પ્રાંતમાં ઓનલાઇન અરજી કરી છે. જેનું તંત્ર દ્વારા ચેકિંગ કર્યા બાદ નિયમોનુ જો પાલન થતુ હોય તો જ એનઓસી અપાય છે.પરંતુ શહેરમાં લોકો વગર મંજુરીએ જ ફટાકડાનુ વેચાણ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર શહેરમાં બજાર વિસ્તાર ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં, મુખ્ય માર્ગો પર મુખ્ય બજાર ગણાતા રસ્તાઓ મહેતા માર્કેટ, પતરાવાળી ચોક, હેન્ડલુમ રોડ સહિતના રસ્તે નાના મોટા વેપારીઓ દ્વારા લારીઓમાં ફટાકડા વેચાણ કરતા હોવાનુ જોવા મળી રહ્યુ છે.
ફાયર વિભાગ 2200 લીટરની ક્ષમતાના 2 નાના અને 12000 લીટરની ક્ષમતાના 5 મોટા ફાયર ફાઇટરો તૈયાર કરાય છે. 12 ફાયરમેન અને 8 ડ્રાઇવરો સહિત 45લોકોનીની ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈયાર રહેશે. 02752-282250માં સંપર્ક કરવાનો રહેશે.
સુરેન્દ્રનગરમાં માત્ર 26 ઓનલાઇન અરજી થઇ છે. જેમાં ફાયર સેફ્ટી કિટ (પાણી, રેતીની ડોલની વ્યવસ્થા) તથા ફાયરસેફ્ટી સ્પ્રે બોટલની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે. જે યોગ્ય હશે તો જ અનુમતી અપાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝાએ જાહેર કરેલા પ્રસિદ્ધનામામાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 સુધી જ ફટકડાં ફોડી શકાશે. હંગામી લાયસન્સ લીધા વિના વેન્ડર, લારી-ગલ્લાધારકો શેડ બાંધશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે. સુરેન્દ્રનગરમાં ફટાકડાં વેચાણની 26માંથી એકપણ અરજી મંજૂર નહીં છતાં 50થી વધુ સ્થળે વેચાણ શરૂ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડાંનું વેચાણ શરૂ થઇ ગયું.
ગ્રીન ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં 30%થી 40% ઓછું પ્રદૂષણ ફેલાવે
ગ્રીન ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં 30%થી 40% ઓછું પ્રદૂષણ ફેલાવે કેમ કે તેમાં બેરિયમ નાઈટ્રેટ, સલ્ફર અને પોટેશિયમ નાઈટ્રેટ જેવા હાનિકારક રસાયણોનો ઉપયોગ નથી હોતો. તે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટાડે છે. ગ્રીન ફટાકડામાં મુખ્યત્વે એસડબલ્યુએએસ, એસટીએઆર અને એસએએફએએલ જેવા પ્રકારોનો સમાવેશ થાય છે.
જેમાંથી કેટલાક ફૂટતી વખતે પાણીની વરાળ છોડીને ધૂળના કણોને નીચે બેસાડી દે ધ્વનિ પ્રદૂષણ પણ ઘટાડે છે. સામાન્ય ફટાકડા 160 ડેસિબલ સામે ગ્રીન ફટાકડાનો અવાજ 110થી 125 ડેસિબલ હોવાથી આરોગ્ય માટે ઓછો જોખમી છે.
સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ જિલ્લામાં દિવાળીના તહેવારો નિમિત્તે જાહેરનામુ
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ જાહેર જનતાની, જાનમાલની સલામતી અર્તે વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફોડવામાં આવતા ફટાકડાં દારૂખાનાથી આગના, અકસ્માતના અને તોફાનોના બનાવો ન બને તે આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા પ્રતિબંધો જાહેર કરાયા છે. જે અનુસાર સુપ્રીમ કોર્ટે ભારે ઘોંઘાટ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે તે ઉત્પાદન અને વેચાણની પરવાનગી છે.
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે. ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના ઓર્ડર લેવા પર તથા ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ છે. જ્યારે દિવાળી તથા અન્ય તહેવારો નિમિત્તે ફટાકડા રાત્રે 8થી 10 કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને ખ્રિસ્તી નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11ઃ55 કલાકથી 12ઃ30 કલાક સુધી જ ફોડી શકાશે.
આ ઉપરાંત હંગામી ફટાકડા લાઈસન્સ મેળવેલ ન હોય તેવા કોઇ પણ વેન્ડર, લારી-ગલ્લા ટેમ્પરેરી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે તો કાર્યવાહી કરાશે. ફટાકડાની દુકાનમાં અગ્નિશામક સાધનો, રેતીની ડોલ રાખવાની રહેશે.