London,તા.૨૨
બ્રિટન, કેનેડા, જાપાન સહિત ૨૮ દેશોએ સંયુક્ત રીતે એક નિવેદન જારી કરીને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી છે. આ દેશોનું કહેવું છે કે ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. ત્યાંના લોકો ખોરાક, પાણી અને મૂળભૂત જરૂરિયાતો માટે તડપી રહ્યા છે. આ દેશોના વિદેશ મંત્રીઓએ તેમના નિવેદનમાં કહ્યું, ’ગાઝામાં સામાન્ય લોકોની વેદના હદ વટાવી ગઈ છે. ઇઝરાયલ તરફથી માનવતાવાદી સહાયના પુરવઠામાં અવરોધ અને સામાન્ય લોકો, ખાસ કરીને બાળકો પર હુમલા સહન કરી શકાય તેવા નથી.નિવેદનમાં ૮૦૦ થી વધુ પેલેસ્ટિનિયનોના તાજેતરના મૃત્યુને ’ભયાનક’ ગણાવવામાં આવ્યું, જે ગાઝા આરોગ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, મદદ શોધતી વખતે મૃત્યુ પામ્યા. ૨૮ દેશોએ ઇઝરાયલ પર માનવતાવાદી સહાય પૂરી પાડવાની ખતરનાક પદ્ધતિઓ અને ગાઝામાં અસ્થિરતા વધારવાનો આરોપ લગાવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’ઇઝરાયલ દ્વારા સામાન્ય લોકોને મૂળભૂત મદદથી વંચિત રાખવું ગેરકાયદેસર છે. તેણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવું પડશે.’ ઇઝરાયલે આ નિવેદનને નકારી કાઢ્યું અને કહ્યું કે તે ’વાસ્તવિકતાથી દૂર’ છે અને હમાસને ખોટો સંદેશ આપે છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓરેન માર્મોર્સ્ટાઇને ઠ પર લખ્યું, ’હમાસ યુદ્ધને લંબાવનાર છે અને બંને પક્ષોના દુઃખ માટે જવાબદાર છે.’ તેમણે હમાસ પર ઇઝરાયલના યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના પ્રસ્તાવને નકારવાનો આરોપ લગાવ્યો. અમેરિકાએ પણ આ નિવેદનને નકારી કાઢ્યું. યુએસ રાજદૂત માઇક હુકાબીએ તેને ’ઘૃણાસ્પદ’ ગણાવ્યું અને ટિ્વટર પર લખ્યું કે આ દેશોએ ’હમાસ આતંકવાદીઓ’ પર દબાણ લાવવું જોઈએ. આ નિવેદનમાં જર્મનીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, પરંતુ જર્મન વિદેશ પ્રધાન જોહાન વાડેપોએલે ઇઝરાયલી સમકક્ષ ગિડીઓન સાર સાથે વાત કરી અને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી.
ગાઝાની ૨૦ લાખથી વધુ વસ્તી ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીથી ૯૦ ટકા વસ્તી બેઘર થઈ ગઈ છે, અને મોટાભાગના લોકોને ઘણી વખત સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઇઝરાયલે ગાઝામાં જવા માટે જે ખાદ્ય પુરવઠો જવા દીધો હતો તે મોટાભાગનો ઇઝરાયલને ટેકો આપતી અમેરિકન સંસ્થા ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશનને આપવામાં આવ્યો હતો. મે મહિનાથી, આ સહાય પોસ્ટ્સ પર ઇઝરાયલી સૈનિકોના ગોળીબારમાં સેંકડો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે ફક્ત ચેતવણી માટે ગોળીબાર કર્યો હતો. ૨૮ દેશોએ તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ, હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં લગભગ ૧૨૦૦ લોકો માર્યા ગયા અને ૨૫૧ લોકોને બંધક બનાવ્યા. હાલમાં, ગાઝામાં ૫૦ બંધકો છે, જેમાંથી અડધાથી ઓછા જીવિત હોવાની અપેક્ષા છે. ગાઝા આરોગ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયલી કાર્યવાહીમાં ૫૯,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. સંયુક્ત રાષ્ટ્ર આ આંકડાને વિશ્વસનીય માને છે. ૨૮ દેશોએ તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી અને શાંતિનો રાજકીય માર્ગ શોધવાની વાત કરી. બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ સંસદમાં કહ્યું, ’આ યુદ્ધનો કોઈ લશ્કરી ઉકેલ નથી. આગામી યુદ્ધવિરામ છેલ્લો હોવો જોઈએ.’ અમેરિકા, કતાર અને ઇજિપ્ત યુદ્ધવિરામ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.