શાપર, ગોંડલ, ભાયાવદર અને ઉપલેટામાં પોલીસ ત્રાટકી : રોકડ, મોબાઈલ, વાહનો મળી કુલ રૂ. 6.56 લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.31
રાજકોટ ગ્રામ્ય પંથકમાં શ્રાવણીયા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી હતી. જુગારના ચાર દરોડામાં પોલીસે કુલ 28 ખેલીઓને ઝડપી કુલ રૂ. 6.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેન્જ આઇજી ટીમે ગોંડલના અનિડા ગામે વાડીમાં, એલસીબી ટીમે ઉપલેટાની વાડીમાં, ભાયાવદર પોલીસે ગઢાળા ગામે વાડીમાં અને શાપર પોલીસે જાહેરમાં જુગટુ ખેલતા શખ્સો પર દરોડા પાડ્યા હતા. જુગારના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુંસંધાને રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા અને સી.એમ.કાંટેલીયાની ટીમો વર્કઆઉટમાં હતી. દરમ્યાન ચોક્કસ હકિકતના આધારે પીએસઆઈ બી સી મિયાત્રા અને સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, અનિરુધ્ધસિંહ જાડેજા, નિકુલભાઇ પંપાણીયા, રવિરાજસિંહ વાળા તથા ભોજાભાઇ ત્રમટાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અનીડા ગામના ડૈયા રોડ તરફ સીમમાં આવેલ આશીષ કિશોરભાઇ હદવાણીની વાડીની ઓરડીમાંથી તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. રેન્જ આઇજી ટીમે દરોડો પાડી વાડી માલિક આશીષ કિશોરભાઇ હદવાણી, દર્શન પ્રફુલભાઇ સાકરવાડીયા, સંજય પરશોત્તમભાઇ હદવાણી, તનસુખભાઇ કેશવભાઇ ધીંગાણી, વિનોદરાય બાવનજીભાઇ કમાણી, અશ્વિનકુમાર વિનોદરાય ચનિયારા, વિપુલભાઇ મનસુખભાઇ સાંઇજા, હર્ષદભાઇ જયંતીભાઇ કાવઠીયા (રહે તમામ, અનિડા ગામ, ગોંડલ, રાજકોટ)ની ધરપકડ કરી રૂ. 1,39,550 ની રોકડ, સાત મોબાઈલ મળી રૂ. 2,14,550 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારના બીજા દરોડામાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદે બદ્દીને ડામવા ભાયાવદર પોલીસ મથકના પી.આઈ. એ બી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે, ગઢાળા ગામની સીમમાં વાડીમાં જુગારનો અખાડો ધમધમી રહ્યો છે. જેથી ભાયાવદર પોલીસની ટીમે ગઢાળા ગામની સીમમાં આવેલ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાની વાડીએ દરોડો પાડી રાજસી ભાદાભાઈ પંપાણીયા, ભીખા પોલાભાઈ ગર, મનસુખ ઉર્ફે મુન્નો અરજણભાઈ મકવાણા (તમામ રહે. ગઢાળા, ઉપલેટા), જયસુખ ઉર્ફે સુનિલ નટવરભાઈ રાવળ (રહે કલારીયા, ઉપલેટા), હસમુખ ઉર્ફે બાઘા નાનજીભાઈ કંટેસરિયા (રહે ઢાંક, ઉપલેટા) અને વિક્રમ મેરામણ મારડિયા (રહે. મોજીરા, ઉપલેટા) ની ધરપકડ કરી રૂ.47,145 ની રોકડ, છ મોબાઈલ અને પાંચ મોટરસાયકલ મળી કુલ રૂ.339645 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વાડી માલિક ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ચુડાસમા હાજર નહીં મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
જુગારના ત્રીજા દરોડામાં એલસીબી પીઆઇ જે પી રાવના માર્ગદર્શન હેઠળની ટીમે ઉપલેટાના ભાદર રોડ પર મદીના મસ્જિદ પાસે સલમાન બકાલીના મકાનમાં દરોડો પાડી જુગટુ ખેલતા સલમાન મુન્નાભાઈ બકાલી, ઈરફાન બસીરભાઈ સેતા, અક્રમ સબીરભાઈ શેખ, મોયુદ્દીન અબ્દુલભાઈ હડમતીયા, ઇમરાન અશરફભાઈ પઠાણ, આશીફ ઈસ્માઈલભાઈ જોખીયા, અશફાક યાસીનભાઈ ધામિયાની ધરપકડ કરી રૂ.35,300 ની રોકડ અને છ મોબાઈલ મળી કુલ રૂ. 70,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જુગારના અન્ય એક દરોડામાં શાપર વેરાવળ પોલીસની ટીમએ વેરાવળ ગામે બુધનગર મફતિયાપરા ખાતે દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચતા સંજય જયંતીભાઈ પરમાર, ભુપત કરસનભાઈ ડાભી, દિપક ગોગનભાઈ પરમાર, પવન પ્રવીણભાઈ પરમાર, વિજય ગીગાભાઈ બાંભણીયા, ભકા ખોડાભાઈ સોલંકી, રવિ દેવચંદભાઈ લુકુમની ધરપકડ કરી રૂ. 32,170 ની રોકડ કબજે કરી હતી.

