(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરતાં સણોસરા, લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાના ચાર અલગ-અલગ દરોડા પાડ્યા હતા. ચારેય સ્થળેથી કુલ ૨૯ શખ્સો ઝડપાયા હતા, જેમાં ૧૬ મહિલાઓ અને એક કિન્નરનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ.૪૩,૨૫૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. સણોસરાના દરોડામાં એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં પોમલાવાસવાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે રમેશભાઈ બીજલભાઈ ડાભી (ઉ.વ.૫૦), મેરાભાઈ વાલજીભાઈ ડાભી (ઉ.વ.૩૨), દિનેશભાઈ ઉર્ફે મિથુન નાથાભાઈ વાઘેલા (ઉ.વ.૩૬), અરજણભાઈ વાલજીભાઈ ડાભી (ઉ.વ.૩૫), કુલદીપસિંહ કૃષ્ણસિંહ જાડેજા (ઉ.વ.૩૦), નવઘણ ઉર્ફે રવી આંબાભાઈ ઝાપડા (ઉ.વ.૨૬) અને ભરતભાઈ ઉર્ફે જગુ સામતભાઈ ઝાપડા (ઉ.વ.૨૦)ને ઝડપી લીધા હતા. જ્યારે વિશ્વરાજસિંહ ઉર્ફે રાજભા સહદેવસિંહ જાડેજા નાસી છૂટ્યો હતો. પોલીસે રોકડ રકમ તથા ગંજીપત્તાના પાનાં મળી રૂ.૧૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાલપુરના ગોદાવરી ગામની સીમમાં ખરસ બા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા રાજેશ જગાભાઈ નાગેશ (ઉ.વ.૩૦), ભરત ઉર્ફે ભુપત અરજણભાઈ ડાંગર (ઉ.વ.૩૮), દેવાયત ઉર્ફે દેવા પુજાભાઈ સવલિયા (ઉ.વ.૪૧), જયેશ ઉર્ફે કાનો દેવાભાઈ બંધીયા (ઉ.વ.૩૦) અને નીલેશ પરબતભાઈ મારિયા (ઉ.વ.૨૧) ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી તથા સ્થળ પરથી કુલ રૂ.૧૪,૭૦૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.
કાલાવડ ટાઉન પોલીસે કાશ્મીરપરામાં લાખાભાઈની દુકાન સામેની શેરીમાં તીનપત્તી રમતા છ મહિલા સહિત સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા મીરાબેન દિનેશભાઈ પરમાર, ભારતીબેન રાજેશભાઈ વાંસફોડીયા, રાજેશભાઈ પરસોતમભાઈ વાંસફોડીયા, મંજુબેન ભીખાભાઈ પરમાર, પુષ્પાબેન ચતુરભાઈ પરમાર, રેશમાબેન મુકેશભાઈ પરમાર અને વૈશાલી (કિન્નર) દિનેશભાઈ પરમાર પાસેથી રૂ.૧,૩૫૦ની રોકડ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કરવામાં આવ્યા હતા. તમામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર શહેરના લાલવાડી આવાસ નજીક શીતલવન સોસાયટી શેરી નંબર-૩૩ના જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દસ મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસે રેખાબેન વારા, ક્રિષ્નાબેન જમરીયા, મીતલબેન ગુજરાતી, સપનાબેન બાલા, મંજુલાબેન વાઘેલા, કાજલબેન ગોહિલ, કીરણબેન સોઢા, જાનકીબેન આહુજા, સરોજબેન પરમાર અને સંતોકબેન ઝરમરીયાને ઝડપી પાડી તેમની પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.૧૩,૧૦૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.
આમ, જામનગર શહેર-જિલ્લામાં તીનપત્તીના ચાર જુગાર દરોડામાં કુલ ૨૯ શખ્સો ઝડપાયા હતા, જેમાં ૧૬ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ.૪૩,૨૫૦ની રોકડ રકમ અને ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સણોસરાના દરોડામાં એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

