Bengaluru,તા.16
ચાહકો સુરક્ષા તોડીને તેમનાં મનપસંદ ખેલાડીઓને મળવા મેદાનમાં પહોંચી ગયાં હતાં. મુંબઈ અને બરોડા વચ્ચે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બરોડાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો.
આવી સ્થિતિમાં, બરોડાની બોલિંગ દરમિયાન, 3 ચાહકો સુરક્ષા તોડી મેદાનમાં પ્રવેશ્યાં હતાં. પ્રશંસકો હાર્દિક પાસે ગયાં અને તેને ગળે લગાવ્યાં અને તેનાં પગ પણ સ્પર્શ કરવા લાગ્યાં હતાં.
આ દરમિયાન સિક્યુરિટી આવી અને ત્રણેયને બહાર કાઢવા લાગી પરંતુ આ પછી હાર્દિકે પાછળથી સિક્યુરિટીને જવાનોને ઈશારો કરીને કહ્યું કે આ ત્રણેયને છોડી દો. તેમનાં આ ઈશારાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મેદાનમાં બેઠેલાં ચાહકોએ પણ પંડ્યાને ચીયર કરવાનું શરૂ કરી દીધું હતું.
ટી-20 માં અજિંક્ય રહાણેએ તેનું નવું ફોર્મ ચાલુ રાખ્યું અને 98 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેના કારણે મુંબઈએ બરોડાને છ વિકેટથી હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
રહાણેએ 56 બોલનો સામનો કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. મુંબઈનાં બોલરોએ નિયમિત રીતે વિકેટો ઝડપી અને બરોડાને સાત વિકેટે 158 રન પર રોકી દીધું હતું.
આ પછી ટીમે રહાણેની 56 બોલમાં તોફાની ઈનિંગની મદદથી 17.3 ઓવરમાં ચાર વિકેટે 164 રન બનાવીને સેમીફાઈનલ મેચ જીતી લીધી હતી. રવિવારે ફાઇનલમાં મુંબઈનો મુકાબલો મધ્યપ્રદેશ સામે થશે જેણે સેમિફાઇનલમાં દિલ્હીને હરાવ્યું હતું.