New Delhi,તા.17
કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સ્કીમ `પીએમ કિસાન સન્માન નિધિ’માં મોટા પાયે છેતરપિંડીનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન ટ્રેકિંગ અને વેરિફિકેશનથી જાણવા મળ્યું છે કે, 31.01 લાખ શંકાસ્પદ લાભાર્થીઓ લાંબા સમયથી આ યોજનાનો ગેરવાજબી લાભ લઈ રહ્યાં છે.
આમાંના મોટાભાગના કિસ્સાઓ એવા છે જ્યાં પતિ અને પત્ની અથવા એક જ પરિવારના સભ્યો બેવડી માંગણીઓ કરી રહ્યા હતા. આનાથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. કૃષિ મંત્રાલયે 19.02 લાખ કેસોની તપાસ કરી હતી.
જેમાંથી 94 ટકા (17.87 લાખ) લાભાર્થીઓ માન્ય હોવાનું જણાયું હતું, પરંતુ તે પાત્રતાના માપદંડને પૂર્ણ કરતાં નથી. મોટાભાગના કિસ્સાઓમાં, જમીનના રેકોર્ડની ભૂલો અથવા ઇરાદાપૂર્વકની છેતરપિંડી હતી. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 416 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. રાજ્યોમાં રિકવરીની પ્રક્રિયા ચાલું છે.
મંત્રાલયે રાજ્યોને 21મા હપ્તા (ડિસેમ્બર 2025) પહેલાં તમામ લાભાર્થીઓની ઇ-કેવાયસી અને ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે ઓક્ટોબર સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 1 જાન્યુઆરી, 2025 થી નવી નોંધણી માટે ખેડૂત આઈડી ફરજિયાત બનાવ્યું છે અને તમામ રાજ્યોને શંકાસ્પદ નામો દૂર કરવા, નોટિસ મોકલવા અને ભંડોળ વસૂલવા નિર્દેશ આપ્યો છે.
અત્યાર સુધીમાં 20 હપ્તા બહાર પડયાં
પીએમ-કિસાન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા (ત્રણ હપ્તામાં 2,000 રૂપિયા) ની સહાય મળે છે. દેશના 9.7 કરોડ ખેડૂતોને અત્યાર સુધીમાં 20મો હપ્તો (ઓગસ્ટ 2025માં 20,500 કરોડ રૂપિયા) મળ્યો છે.
છેતરપિંડી સહન નહીં થાય કૃષિ મંત્રીએ રિકવરી અને ઇ-કેવાયસી પર ભાર મૂક્યો
કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં સંસદમાં કહ્યું હતું કે આ યોજનાનો લાભ માત્ર અસલી ખેડૂતોને જ મળશે, ગેરરીતિઓ સહન કરવામાં આવશે નહીં. કૃષિ મંત્રાલયે 1 જાન્યુઆરી, 2025 થી નવી નોંધણી માટે ખેડૂત આઈડી ફરજિયાત બનાવ્યું છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને નોટિસ મોકલવા, ભંડોળ વસૂલવા અને પોર્ટલમાંથી શંકાસ્પદ નામો દૂર કરવા નિર્દેશ આપતા એસઓપી જારી કર્યા છે. રાજ્યોમાં તમામ લાભાર્થીઓની યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે અને ય-ઊંઢઈ અપડેટ કરવામાં આવી રહી છે.
રાજ્યોમાં રિકવરી કામગીરી શરૂ કરવામાં આવી છે
કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરીને ઉત્તર પ્રદેશમાં 50 હજારથી વધુ લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે અને રિકવરી કામગીરી શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ મે મહિનાથી કડક કાર્યવાહી ચાલી રહી છે. એક જ પરિવાર તરફથી ઘણાં દાવાઓ પ્રકાશમાં આવ્યા બાદ આવા કેસોમાં રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અહીં 20 હપ્તા પહેલાં લાખો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિદર્ભ અને મરાઠાવાડામાં વધુ કેસ નોંધાયા છે ઇ-કેવાયસી દ્વારા 1 લાખથી વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. કર્ણાટકમાં શહેરી વિસ્તારોના લાભાર્થીઓની નકલી નોંધણીઓ પણ પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત પંજાબના કિસ્સાઓમાં પરાળ સળગાવવા અને રેકોર્ડમાં ભારે ભૂલો થઈ છે.
રાજસ્થાનમાં વેરિફિકેશન શ, રિકવરી સાથે કાયદેસરની કાર્યવાહી
રાજસ્થાનમાં નોંધાયેલા 1.2 કરોડ ખેડૂતોમાંથી 2.5 લાખ શંકાસ્પદ કેસ નોંધાયાં છે. જેમાંથી જોધપુર (45,000), બિકાનેર (38,000) અને જેસલમેર (32,000) માં ફરિયાદો મળી છે. કૃષિ વિભાગે રાજ્યભરમાં વિશેષ ટીમો બનાવીને લાભાર્થીઓની ચકાસણી શરૂ કરી છે. ખોટા લાભાર્થીઓ પાસેથી વસૂલાત કરવા ઉપરાંત તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.