Ahmedabad ,તા.6
અમેરિકામાંથી ડીપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથેનું વિમાન અમૃતસર પહોંચ્યા બાદ તેમાં સવાર 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને તેઓને પોલીસ સુરક્ષા સાથે પોતપોતાના વતન પહોંચાડવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પાછા ધકેલાયેલા ગુજરાતીઓએ પોતાના ચહેરા ઢાંકી રાખ્યા હતા.
અમેરિકામાં પ્રમુખપદે ટ્રમ્પ સરકાર સતાની સાથે જ ભારતીય સહિતનાં ગેરકાયદે વસાહતીઓને ડીપોર્ટ કરવાનું ઓપરેશન શરૂ ર્ક્યું હતું. અમેરિકી મીલીટ્રી વિમાનમાં 104 ભારતીયોને પાછા મોકલાયા હતા.
આ ભારતીયો ગઈકાલે બપોરે અમૃતસર પહોંચ્યા હતા.તેમાં 33 ગુજરાતી હતા. અમૃતસર એરપોર્ટે પૂછપરછ તપાસ બાદ મોડીરાત્રે વિમાન માર્ગે ગુજરાત મોકલવામાં આવ્યા હતા. આજે સવારે 6 વાગ્યે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તમામે ચહેરા ઢાંકી રાખ્યા હતા.તમામને પોલીસ સુરક્ષા હેઠળ વતન મોકલાયા હતા.
આજે સવારે ગુજરાત ભેગા કરાયેલા 33 ગુજરાતીઓ પૈકી 12-12 મહેસાણા તથા ગાંધીનગર જીલ્લાના હતા.જયારે ચાર સુરતના, બે અમદાવાદનાં તથા 1-1 વડોદરા ખેડા અને પાટણ જીલ્લાના હતા.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, સૌ પ્રથમ અમૃતસર પહોંચેલા તમામ પ્રવાસીઓને ઈમીગ્રેશન વિભાગ દ્વારા તપાસ પુછપરછ કરવામાં આવી હતી. જે મોડીરાત સુધી ચાલ્યા બાદ વહેલી સવારે અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા હતા..અગાઉ રીપોર્ટમાં એમ કહેવાયું હતું કે, પરત આવેલા લોકો સામે કોઈ ફોજદારી ગુના હશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પરત આવેલા પ્રવાસીઓને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. એરપોર્ટ પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ચોંકાવનારો કિસ્સો : પુત્રી અમેરિકામાં હોવાની પરિવારને ખબર જ નથી
અમેરિકાથી પાછા ધકેલાયા 33 ગુજરાતીઓ પૈકી એક યુવતીનો કિસ્સો ચોંકાવનારો છે. નિકિતા પટેલ નામની આ યુવતી અમેરિકા ગઈ હોવાની તેના પરિવારને પણ ખબર ન હતી.
પરિવારજનોનાં કહેવા પ્રમાણે નીકીતા યુરોપનાં પ્રવાસે જવાનું કહીને ગઈ હતી. અમેરિકામાં હોવાની જાણ ન હતી. અમેરિકાથી ડીપોર્ટ પ્રવાસીઓમાં તે હોવાની મીડીયા મારફત જાણ થઈ હતી. 15મી જાન્યુઆરી પછી તેની સાથે કોઈ વાતચીત પણ થઈ ન હતી.