Ahmedabad,તા,04
લગ્નજીવનના ટુંકા સમયમાં થતી સમસ્યા અને દંપતિ અલગ રહેતા હોય તો પણ જયાં સુધી કાનુની રીતે છુટાછેડા ન મળે અને સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી પતિની ભરણ પોષણની જવાબદારી રહે છે.
જેમાં લગ્ન પછી ફકત ચાર દિવસ સાથે રહેલા યુગલ છેલ્લા 14 વર્ષથી અલગ રહે છે. તેમાં જૂનાગઢની ફેમીલી કોર્ટ રૂા.10000નું પ્રતિમાસ ભરણપોષણ પત્નીને ચુકવવા પતિને આદેશ આપ્યો છે.
2011માં 53 વર્ષના બેન્ક અધિકારીએ 37 વર્ષની મહિલા સાથે જૂનાગઢના ગાયત્રી મંદિરમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. બન્નેના આ બીજા લગ્ન હતા. જેમાં મહિલાને પ્રથમ લગ્નથી 13 વર્ષની દિકરી પણ હતી.
જયારે વિધુર પુરુષને બે પુત્રો હતા અને બન્નેના લગ્ન પણ થઈ ગયા હતા. લગ્નના 3-4 દિવસ જ તેઓ સાથે રહ્યા કે રહી શકયા હતા. જેમાં પત્નીની ફરિયાદ હતી કે તેના પ્રથમ લગ્ન અંગે નવા કુટુંબના લોકો ઝઘડા કરતા હતા. જેમાં પતિએ પણ તેને નજર અંદાજ કરવાનું શરૂ કર્યુ અને ફોનકોલ પણ ઉપાડતા ન હતા.
પત્નીએ કલમ 125 હેઠળ તેના અને તેની સગીર પુત્રી માટે ભરણપોષણનો દાવો કર્યો હતો. 2013માં જૂનાગઢ કોર્ટ આ દાવો નકાર્યો જેમાં પત્નીએ દલીલ કરી હતી કે ગાયત્રી મંદિરમાં જે વિધિ થઈ તે સગાઈ જ હતી. લગ્ન નહી. મહિલા હાઈકોર્ટમાં ગઈ તો ત્યાં ફેમીલીકોર્ટનો ભરણપોષણ નહી આપવાનો હુકમ રદ કર્યો હ્તો અને જૂન 2024માં આ દાવા પર નવેસરથી વિચારણા કરવા આદેશ આપ્યા હતા.
બાદમાં ફેમીલી કોર્ટ એ સ્વીકાર્યુ કે લગ્ન થયા હતા. તેમ ભરણપોષણ નકારવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઉપરાંત તે મૌખિક વાતથી સાબીત થાય છે કે પત્નીને તરછોડાઈ છે તેના સંતાન સાથે દયાજનક જીવન જીવે છે તેથી ભરણપોષણનો હકક છે.
અદાલતે મહિલા માટે રૂા.10000નુ ભરણપોષણ પ્રતિ ખાસ નિશ્ચિત કર્યુ પણ લગ્ન સમયે જે સગીર પુત્રી મહિલા સાથે આવી હતી તે પતિનું જૈવિક પોતાનું સંતાન નહી હોવાથી તેના માટે ભરણપોષણની જવાબદારી થતી નથી.

