China,તા.27
ચીનના દક્ષિણ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી સતત ભારે વરસાદ પડવાથી પૂર આવવાની, જમીન ધસી પડવાની અને પુલ તણાઈ જવાની અનેક ઘટનાઓ બની છે. ગુઆંગચી ગુઆંગડોંગ, ગુઈઝોહુ અને જિઆનચી પ્રાંતમાં સતત ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પૂર નિયંત્રણ ઑથોરિટીએ અતિભારે વરસાદને કારણે લેવલ ફોર ઈમરજન્સી ડિકલેર કરી હતી. આગામી થોડા દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે.સૌથી વધારે વરસાદ નોર્ધન લિઉઝહો અને ગુઆંગચીમાં પડ્યો હતો. જ્યાં પાંચ દિવસમાં 40 ઇંચ વરસાદ પડ્યો હતો. ગુઆંગચીમાં એક કલાકના દોઢથી અઢી ઇંચના દરે વરસાદ પડયો હતો. તો ક્વિનઝોમાં એક કલાકના સાડા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિક નદીઓ ભયજનક હદથી એકથી દોઢ ફૂટની વધારે ઉંચાઈએ વહેવા માંડી હતી. જેના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. વીજળી વેરણ થતાં અંધારપટ છવાઈ ગયો હતો તો કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી.ગુઆંગઝો પ્રાંતમાં સતત ભારે વરસાદ પડવાથી દુલીઉ નદી પર આવેલો હૂઝી ગ્રાન્ડ પુલ ધોવાઈ ગયો હતો. સાંડુકાઉન્ટી અને રોંગજિઆંગ શહેરની વચ્ચે આવેલા આ પુલનો એપ્રોચ માર્ગ બે કલાકમાં વહી ગયો હતો. જેના પરથી પસાર થઈ રહેલી એક ટ્રકના ડ્રાઇવરને બચાવી લેવામાં આવ્યો હતો. ચોવીસ જૂને દુલીઉ નદીમાં જળસ્તર 36 ફૂટ જેટલું વધી ગયું હતું. પૂર્વ એશિયામાં ચોમાસું એક મહિનો વહેલું બેસી જતાં તથા બીજા અન્ય પરિબળોને કારણે વરસાદનું પ્રમાણ અને વેગ વધારે જણાયા હતા. પિંગયોંગ, ઝાઈહાઓ અને દુલીઉ નદીઓમાં પૂર આવવાને કારણે ગુઈઝોમાં વહીવટીતંત્રએ પોલીસ અને પાણી નિયંત્રણ એજન્સીઓની સહાયથી બચાવ કામગીરી હાથ ધરી હતી. 27મી જૂન સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. યાંગત્સે અને પર્લ નદીઓમાં પાણી ભયજનક સપાટી વટાવી જતાં સ્થાનિક સત્તાવાળાઓએ લોકોને પૂરની ચેતવણી આપી હતી.