America,તા.19
અમેરિકામાં રહેતા લગભગ 50 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જેમના વિઝા તાજેતરમાં રદ કરવામાં આવ્યા હતા તે ભારતીય હતા. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA)એ આ માહિતી આપી છે કે, વિદ્યાર્થીઓ, વકીલો અને યુનિવર્સિટી સ્ટાફ પાસેથી આ કેસોના 327 અહેવાલો એકત્રિત કર્યા.
14 ટકા ચીન વિદ્યાર્થીઓના વિઝા રદ
17મી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં AILA એ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા તેમાંથી અડધા ભારતના હતા જ્યારે 14 ટકા ચીનના હતા, જ્યારે અન્ય મુખ્ય દેશોમાં દક્ષિણ કોરિયા, નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. 2023-24માં અમેરિકા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી મોટો જૂથ છે. 2023-24માં 11,26,602 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 3,31,602 વિદ્યાર્થીઓ ભારતના હતા. ત્યારબાદ 2.77 લાખ ચીની વિદ્યાર્થીઓ હતા.
આ વિદ્યાર્થીઓમાંથી 50 ટકા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પર હતા, એટલે કે તેઓ સ્નાતક થયા છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત છે. OPT F1 વિઝા પર અમેરિકામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 12 મહિના સુધી કામ કરવાની મંજૂરી આપે છે, અને પછી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સહિતના STEM ક્ષેત્રોના કિસ્સામાં તેને 24 મહિના સુધી લંબાવવામાં આવે છે. આ અહેવાલો વિઝા રદ કરવા અને સમાપ્ત કરવાના મનસ્વી સ્વભાવનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે જે વિદ્યાર્થીઓ અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તેમને દેશમાંથી દેશનિકાલ સહિત સજાનો સામનો કરવો પડશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડે, વિવિધ યુએસ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘જો તમે કાયદાનું પાલન કરશો, તો અમેરિકા તમને તકો પૂરી પાડશે, પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને પરિણામો ભોગવવા પડશે.’
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો ભય વધી રહ્યો છે કારણ કે અધિકારીઓ પેલેસ્ટાઇન તરફી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાથી લઈને નાના કાયદાકીય ઉલ્લંઘનો સુધીના વિવિધ મુદ્દાઓ માટે F-1 વિઝા રદ કરી રહ્યા છે.