New Delhi, તા. 4
2017માં જીએસટી લાગુ થયા બાદ તેમાં પ્રથમ વખત કરવામાં આવેલા સુધારાને કારણે નેકસ્ટ જનરેશન ટેકસ કટમાં ગ્રાહકોની ખરીદી વધે તેવા સંકેત છે. નાણામંત્રી નિર્મલા સિતારામને ગઇકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જે કંઇ જીએસટી લાભો આપવામાં આવ્યા છે તેનો લાભ પુરેપુરો ગ્રાહકને મળે તે જોવા માટે વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રએ ખાતરી આપી છે.
ખાસ કરીને હાલના નીચા ફુગાવાના સમયે જીએસટી દરમાં ઘટાડો એ રાહત થઇ જશે. નાણામંત્રીએ જે આવશ્યક ચીજવસ્તુઓમાં જીએસટી દર નીલ કર્યો છે તેના કારણે કિચન બજેટમાં 1પ ટકાનો ફાયદો થાય તેવી ધારણા છે. બિસ્કીટ, સાબુ, નુડલ્સ, કોફી, બટર વગેરે 10 થી 15 ટકા સસ્તા થશે જેના કારણે તેની માંગ વધશે અને તેનો સીધી અસર પણ ફુગાવા પર થશે.
જીએસટીની કાઉન્સીલની આ 56મી બેઠકમાં ફકત એક જ દિવસમાં જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તે ભાગ્યે જ કોઇ અત્યાર સુધીની બેઠકમાં લેવાયા છે અને ખાસ કરીને મધ્યમ વર્ગ અને હાઉસ હોલ્ડ માટે તે સૌથી મોટી રાહત બની જશે. જીએસટી કાઉન્સીલ દ્વારા લેવાયેલા નિર્ણયનો અમલ યોગ્ય રીતે થાય તે માટે ખાસ મોનીટરીંગ સિસ્ટમ ગોઠવવા પણ નાણામંત્રીએ ખાતરી આપી હતી.
સૌથી મહત્વનું કે અત્યાર સુધીનો જીએસટીનો એવરેજ રેટ એ પ્રથમ વખત સીંગલ ડિઝીટમાં આવી ગયો છે. અગાઉ જયારે જીએસટીનો અમલ થયો તેના કારણે જીએસટીનો એવરેજ રેટ 14.4 ટકા હતો જે 2019માં જીએસટીના સુધારાના કારણે 11.8 ટકા થયો અને હવે તે 9.5 ટકા થયો હોવાનું નિશ્ચિત થયું છે.
આમ એકંદરે જીએસટીનો અમલ આવ્યા પછી પ્રથમ વખત ગ્રાહકોને રૂા. 1.98 લાખ કરોડનો લાભ થયો હોવાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું છે. જે 40 ટકાનો દર નવો નિશ્ચિત થયો છે તે પણ હાલના વાસ્તવિકતા 43 ટકાના દરથી નીચો છે.
જીએસટી સુધારાથી જીડીપીમાં 0.6 ટકાનો ફાયદો થશે તેવું માનવામાં આવે છે અને ફુગાવામાં 20 થી 25 બેઝીક પોઇન્ટનો ઘટાડો થશે તે પણ સંકેત સ્ટેટ બેંકના રીપોર્ટમાં આપવામાં આવ્યો છે.
જોકે સરકારને આ જીએસટી-2ના ઘટાડાથી એકંદરે રૂા. 85 હજાર કરોડની નુકસાની જવાનો અંદાજ છે પણ માનવામાં આવે છે કે જીએસટી દર ઘટાડવાથી બજારમાં જે ખરીદી વધશે તેના કારણે 50 ટકા નુકસાની સરભર થઇ જશે અને લાંબા ગાળે જીએસટીમાં ફરી વખત પ્લસમાં જશે.