Gandhinagar,તા.29
ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની પરમીટ આપવામાં આવે છે સાથે દારૂ સહિત 50 હજાર કરતા પણ વધુ પરવાના ઈસ્યુ કરે છે. પરવાના મેળવવાની પ્રક્રિયા 85 ટકા લોકો સ્વાસ્થ્યનું કારણ આપી પરવાનો મેળવે છે.
જેમાં ગુજરાતમાં તેનો આંકડો બાવન હજારને પાર છે. ગુજરાત રાજયમાં ઈસ્યુ થયેલી દારૂની કુલ 52,800 પરમીટમાંથી 66 ટકા પરમીટ માત્ર ચાર જિલ્લામાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના લોકોએ મેળવેલી છે જયારે અન્ય 22 જિલ્લામાં 17,800 પરમીટ મેળવી છે.
અત્યાર સુધી નશાબંધી અને આબકારી કચેરીમાંથી પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફ લાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોકયુમેન્ટ માટે પણ ધકકા ખાવા પડતા હતા.
આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠતા આગામી ડિસેમ્બર માસના અંતમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે. http://eps.gujarat.gov.in નામની વેબસાઈટ મારફત આવા પરવાના મેળવી શકશે. જેમાં લોગ ઈન આઈડી જનરેટ કરવી પડશે. ત્યારબાદ વેબસાઈટ પર આવેલી વિગતો ભરીને ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્રીજા તબકકામાં ફી પણ ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે.
નશાબંધી અને આબકારી વિભાગ હવે તેના કામકાજને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. પરવાના મેળવવા માટે આવતી ફાઈલોના નિકાલમાં વિલંબ ન થાય એ માટે એક ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કઈ ફાઈલ કયા ટેબલ પર કેટલા દિવસથી છે એ પણ જાણી શકાશે આ નવી સિસ્ટમથી અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી દરેક અરજીનું સતત મોનિટરિંગ થાય છે.
આ સિસ્ટમથી જાણી શકાય કે કઈ ફાઈલ કયા ટેબલ પર, કયા કર્મચારી પાસે અને કેટલા દિવસથી પેન્ડિંગ છે. દરરોજ સાંજે દરેક કર્મચારી અને તેમના વિભાગના અધિક્ષકને એક એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે કે કઈ ફાઈલો પેન્ડિંગ છે. આનાથી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે છે અને ફાઈલોનો નિકાલ સમયસર થાય છે.
રાજયકક્ષાના અધિકારીઓને પણ દરરોજ સાંજે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે કે કયા જિલ્લામાં કેટલી ફાઈલો પાંચથી વધુ દિવસથી પેન્ડિંગ છે. આનાથી ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રાજયની કામગીરી પર નજર રાખી શકે છે.
તમામ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ઈ-પ્રોહિબિશન પોર્ટલ શરૂ કરવા પોર્ટલની ડિઝાઈન ડેવલપમેન્ટ માટે જીઆઈએલને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા સ્ટેટ મોનીટરીંગ સેલે વર્ષ 2024માં 455 કેસમાં 22.52 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લીધો હતો.