Rajkot,તા.17
સૌરાષ્ટ્રમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખરે સાત વર્ષે યોજાઇ, પણ આજે ખાસ કરીને ૨૬ નગરપાલિકામાં થયેલા મતદાનમાં નિરૂત્સાહી માહોલ જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીઓ કરતા મતદાન ઘટવાનો સિલસિલો જળવાઇ રહેવા સાથે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યાના નિયત સમયમાં ૫૯.૨૧ ટકા મતદાન થયું હતું. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ૬૬.૯૬ ટકા અને ૬૨.૧૮ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. આ સાથે આજે ભાજપ-કોંગ્રેસ સહિત ૧૮૪૮ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થયું હતું. આજે અમુક મતદાન મથકોમાં વોટિંગ મશીન બગડતા ચૂંટણી તંત્રને દોડધામ પણ થઇ હતી. જો કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં અમુક સ્થળોએ રાજકીય પક્ષના કાર્યકરો તો ક્યાંક મતદારોને બોલાચાલી થવા સિવાય એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. હવે તા.૧૮મીએ મંગળવારે સવારે ૮ વાગ્યાથી મત ગણતરી ચાલુ થશે.
સૌરાષ્ટ્રનાં આઠ જિલ્લાની ૨૬ નગરપાલિકાની આજે ચૂંટણી યોજાઇ તેમાં મોટા ભાગે અગાઉ ભાજપનું શાસન હતું. જેની મુદત ગત ડિસેમ્બર-૨૦૨૩માં પૂર્ણ થઇ ગઇ હતી, પણ ઓબીસી અનામતના કારણે ચૂંટણી નહીં યોજી શકાતા બે વર્ષથી વહીવટદારનું શાસન હતું. પરિણામે જે તે નગરપાલિકામાં રસ્તા, પાણી, ગટર, સફાઇ, સ્ટ્રીટ લાઇટ વગેરે પ્રશ્નો વારંવાર ટલ્લે ચડી રહ્યા હતા. લોકોને પણ પોતાની સમસ્યાઓ માટે કોનો કાન આમળવો? એ પ્રશ્ન હતો. આખરે હવે ચૂંટણી યોજાતા નવા શાસકો આવશે, એ તરફ લોકોની મીટ મંડાઇ છે. જો કે, આજે ગત વખતની ચૂંટણી કરતાં ઘટેલા મતદાનથી લોકોમાં નિરૂત્સાહ યથાવત હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં અગાઉ ઉપલેટામાં પાંચ અને જસદણમાં બે બેઠકો બીન હરિફ થયા બાદ આજે બાકીની ૧૬૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ ભાયાવદરમાં ૬૯.૮૬ ટકા મતદાન થયું હતું. જ્યારે જસદણમાં ૫૨.૧૪, જેતપુરમાં ૫૨.૫૪, ધોરાજીમાં ૫૧.૩૩ અને ઉપલેટામાં ૬૩.૮૮ ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે ૪૬૯ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં સીલ થયું હતું. જેનો તા.૧૮મીએ ફેંસલો થશે, આજે મતદાન દરમિયાન જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ૧૦ ઇ.વી.એમ.માં ખામી સર્જાઇ હતી.
* જામનગર જિલ્લામાં આજે ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ નગરપાલિકાની ૭૯ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૬૨.૯૫ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ ધ્રોલમાં ૬૮.૦૫ ટકા મત પડયા હતા. બીજા ક્રમે કાલાવડમાં ૬૩.૧૬ ટકા અને જામજોધપુરમાં ત્રીજા ક્રમે ૫૮.૧૨ ટકા મતદાન થયું હતું. આજે મતદાન પ્રક્રિયા દરમિયાન જામજોધપુરમાં ત્રણ અને કાલાવડમાં એક ઇ.વી.એમ.માં ખામી સર્જાઇ હતી. નોંધનીય છે કે અગાઉ ૮૪ બેઠકો બિન હરિફ થઇ હતી અને ધ્રોલની ચાર બેઠકોની ચૂંટણી મુલત્વી રહી હતી. પરિણામે આજે ૨૨૨ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થયું હતું.
* જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણીમાં અગાઉ ભાજપને બાંટવામાં ૧૩ અને માંગરોળમાં ૪ બેઠક બિનહરીફ મળી હતી. બાદમાં ૧૪૩ બેઠકો માટે ૩૬ર ઉમેદવારો વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં આજે સરેરાશ ૬૬.૬૩ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધં ચોરવાડ પાલિકામાં સૌથી વધુ ૭૯.૪પ ટકા, વંથલીમાં ૬૯.૩૪ ટકા, વિસાવદરમાં ૬પ.પ૪ ટકા, માંગરોળમાં ૬૭.ર૦ ટકા, માણાવદરમાં પ૬.ર૦ ટકા અને બાંટવામાં પ૯.૩૬ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું.
* મોરબી જિલ્લામાં આજે વાંકાનેર નગરપાલિકામાં પ૧.પર ટકા અને હળવદ નગરપાલિકામાં ૬૩.૬૧ ટકા મતદાન થયું હતું. અગાઉ વાંકાનેર નગરપાલિકામાં ભાજપને ૧૩ બેઠકો બિનહરીફ મળી હતી, જેથી બાકીની ૧પ બેઠકો માટે મતદાન થયું હતું. જયારે હળવદમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેથી મંગળવારના મત ગણતરી પર સૌની મીટ મંડાઈ છે.
* અમરેલી જિલ્લામાં આજે ચાર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં સરેરાશ પ૯.૭ર ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ જાફરાબાદમાં ૬૮.૯૬ ટકા મત પડયા હતા, જયાં અગાઉ ભાજપને ૧૬ બેઠકો બિનહરીફ મળી ચૂકી છે. જયારે લાઠીમાં ૬૧.૩૮ ટકા, રાજુલામાં પપ.૪૦ ટકા અને ચલાલામાં પ૮.૧૧ ટકા મતદાન થયું હતું. આજે ૮૮ બેઠકોની ચૂંટણીમાં ર૧૪ ઉમેદવારોનું ભાવિ વોટિંગ મશીનમાં કેદ થયું હતું.
* દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ભાણવડમાં પ૪.૧૧ ટકા મતદાન થયું હતું. જયારે દ્વારકા નગરપાલિકામાં સૌથી ઓછું ૪૬.૬૧ ટકા મતદાન થયું હતું. સલાયામાં પર.૧૦ ટકા મત પડયા હતા. અગાઉ ભાણવડમાં ૮ અને દ્વારકામાં ૯ બેઠકો ભાજપને બિનહરીફ મળી હતી. આજે ૬૩ બેઠકો માટે ૧૭પ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ થયું હતું.
* પોરબંદર જિલ્લામાં આજે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ગત વખત કરતા ર થી પ ટકા વધારે મતદાન થયું હતું. જેમાં રાણાવાવમાં પ૦.૧૯ ટકા અને કુતિયાણામાં પ૯.૮૩ ટકા મત પડયા હતા. હવે અહીં ભાજપ કે સમાજવાદી પાર્ટીમાંથી કોણ મેદાન મારશે ? એનો મંગળવારે ફેંસલો થશે.
* ગીર સોમનાથ જિલ્લામાં આજે કોડિનાર નગરપાલિકાની ચૂંટણીમાં ૬૧.૩૬ ટકા મતદાન થયું હતું. અહીં અગાઉ ચાર બેઠકો બિનહરીફ થવાથી બાકીની ર૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે ૪૩ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં સીલ થયું હતું.
સૌરાષ્ટ્રની ૨૬ નગરપાલિકામાં મતદાન
નગરપાલિકા મતદાન (ટકા) નગરપાલિકા મતદાન (ટકા)
જસદણ ૫૨.૧૪ જાફરાબાદ ૬૮.૯૬
જેતપુર ૫૨.૫૪ રાજુલા ૫૫.૪૦
ધોરાજી ૫૧.૩૩ ચલાલા ૫૮.૧૧
ભાયાવદર ૫૯.૮૬ કુતિયાણા ૫૯.૮૩
ઉપલેટા ૫૩.૮૯ રાણાવાવ ૫૦.૧૯
હળવદ ૬૩.૬૧ બાંટવા ૫૯.૩૬
જામજોધપુર ૫૮.૧૨ માણાવદર ૫૬.૨૦
ધ્રોલ ૬૮.૦૫ માંગરોળ ૬૭.૨૦
કાલાવડ ૬૮.૦૫ વિસાવદર ૬૫.૫૦
સલાયા ૫૨.૧૦ વંથલી ૬૯.૩૪
ભાણવડ ૫૪.૧૧ ચોરવાડ ૭૯.૪૫
દ્વારકા ૪૬.૬૧ કોડિનાર ૬૧.૩૬
લાઠી ૬૧.૩૮ વાંકાનેર ૫૧.૫૨
સરેરાશ = ૫૯.૨૧ %