Turkeyતા.28
દેશની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે તુર્કીના પશ્ચિમ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી જિલ્લામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાની માહિતી મળી છે.
ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 10.48 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ લગભગ 6 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે. ઇસ્તંબુલ સહિત નજીકના અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીના ઉપપ્રમુખ જેવદેત યિલમાઝે જણાવ્યું હતું કે, અન્ય એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરી રહી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 10.48 વાગ્યે 5.99 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ઈસ્તાંબુલ અને આસપાસના પ્રાંતો બુર્સા, મનીસા અને ઇઝમીરમાં અનેક આફ્ટરશોક અનુભવાયા હતા.
બાલિકેસિરના ગવર્નર ઇસ્માઇલ ઉસ્તાઓગ્લુના જણાવ્યા અનુસાર, કુલ 22 લોકો ગભરાઈ જવાના કારણે પડી જવાથી ઘાયલ થયા છે. સિંદિરગી જિલ્લા પ્રશાસક દોગુકન કોયુન્કુએ રાજ્ય સંચાલિત અનાડોલુ એજન્સીને જણાવ્યું હતું કે તેમને હજુ સુધી જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી.
ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે સિંદિરગીમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને એક બે માળની દુકાન ધરાશાયી થઈ છે. આ ઇમારતોને અગાઉના ભૂકંપમાં નુકસાન થયું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે ગભરાટના કારણે પડી જવાથી બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એટલાન્ટિક મહાસાગરમાં પણ ભૂકંપ
સોમવારે પણ એટલાન્ટિક મહાસાગરમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6.5 હતી અને પૂર્વીય કેરેબિયન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ફ્રેન્ચ કેરેબિયન ટાપુ ગ્વાડેલુપથી 160 કિલોમીટર પૂર્વમાં, 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ એન્ટિગુઆ અને સેન્ટ વિન્સેન્ટ અને ગે્રનેડાઇન્સ જેવા દૂરના ટાપુઓ પર પણ અનુભવાયો હતો.

