Mumbai,તા.25
શેરબજાર સળંગ પાંચ મહિના સુધી મંદીના ભરડામાં રહ્યા બાદ છેવટે છૂટકારો થયો હોય તેમ છેલ્લા છ દિવસથી તેજીનો માહોલ રહ્યો હતો અને આ સમયગાળામાં ચાલુ કેલેન્ડર વર્ષ 2025 ની અત્યાર સુધીની નુકશાની સરભર થઈ ગઈ છે. ઈન્વેસ્ટરોને મોટી રાહત થઈ છે.
શેરબજારમાં 17 માર્ચથી 6 ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસમાં 4155.47 પોઈન્ટ (5.62 ટકા) તથા નિફટી 1261.15 પોઈન્ટ (5.63) ટકા ઉછળ્યા હતા. ફેબ્રુઆરીમાં સેન્સેકસમાં 4302.47 પોઈન્ટ (5.5 ટકા) તથા જાન્યુઆરીમાં 638.40 પોઈન્ટ (0.81 ટકા) નો ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સેન્સેકસ 4786.28 પોઈન્ટ (6.53)ટકા વધી ગયો છે.
શેરબજારમાં ત્રણ દાયકાની સૌથી લાંબી મંદીમાંથી રાહત મળતા લાખો ઈન્વેસ્ટરોએ રાહતનો શ્ર્વાસ લીધો છે આજે પણ પ્રારંભિક કામકાજમાં માર્કેટ તેજી જ સુચવતુ હતું.શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે લાંબા વખત બાદ વિદેશી નાણા સંસ્થાઓએ માર્કેટમાંથી ખરીદી શરૂ કરતા તેજીને ટેકો મળ્યો છે.
લોકલ ઈન્વેસ્ટરોની પણ ખરીદી આવવા લાગી છે.ભારતીય અર્થતંત્ર છલાંગ લગાવશે તે હકીકતમાં કોઈ બેમત નથી અમેરિકા પણ વર્ષ દરમ્યાન વ્યાજદરમાં બે વખત ઘટાડો કરશે તેના સંકેતોની સારી અસર છે.
શેરબજારમાં સળંગ છ દિવસની તેજીમાં ઈન્વેસ્ટરોની સંપતિમાં 27.10 લાખ કરોડનો વધારો થયો છે. શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે માર્કેટમાં માહોલ બદલવા પાછળ અનેક કારણો જવાબદાર ગણાય છે.
વિદેશી નાણાં સંસ્થાઓએ લાંબા વખત બાદ ખરીદી માટે એન્ટ્રી કરતા નવો ભરોસો સર્જાયો છે. આ સિવાય તાજેતરનાં કડાકામાં મોટાભાગનાં શેરોના ભાવ ઘણા નીચા આવી ગયા હોવાથી લોકલ ઈન્વેસ્ટરોમાં ખરીદીનું આકર્ષણ ઉભુ થયુ હતું.
વેલ્યુએશન વ્યાજબી સ્તરે ગણાવવા લાગ્યુ હતું. અમેરિકા બે વખત વ્યાજદર ઘટાડશે તેમ ભારતીય રિઝર્વ બેન્ક પણ વ્યાજદર ઘટાડશે તેવા આશાવાદની સારી અસર હતી. માર્કેટની તેજી વ્યાપક અને સાર્વત્રિક હોય તેમ હેવીવેઈટની સાથોસાથ મીડકેપ-સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો નોંધાયો છે. સેન્સેકસ 78000 વટાવી ગયો હતો. નિફટી ફરી 24000 ની નજીક આવ્યો છે. નિફટી મીડકેપ 51000 ને પાર થયો છે.