અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપ-વેનો તાર તૂટી પડતા કમકમાટીભરી ઘટના બની
Pavagadhતા.૬
પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપ-વેનો તાર તૂટી પડતા ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે ભારે પવનના કારણે શ્રદ્ધાળુઓ માટેનો પેસેન્જર રોપ-વે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે.
પંચમહાલના પાવાગઢમાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં બાંધકામની સામગ્રી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં કુલ ૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના રોપ-વેનો તાર તૂટી જવાને કારણે સર્જાઈ છે.
આ દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં ૨ લિફ્ટ ઓપરેટર, ૨ શ્રમિકો અને અન્ય ૨ વ્યક્તિઓ સામેલ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે પણ આ ઘટનામાં ૬ લોકોના મોતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આગળની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી શ્રદ્ધાળુઓને લાવવા-લઈ જવા માટેનો પેસેન્જર રોપ-વે અલગ છે. આજે અચાનક હવામાનમાં આવેલા ફેરફાર અને ભારે પવનને કારણે આ રોપ-વે પણ શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના ન મળે ત્યાં સુધી પેસેન્જર રોપ-વે બંધ રહેશે.
આ ઘટના બાદ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ દુર્ઘટનાએ પાવાગઢના વિકાસકાર્ય અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે.