Ahmedabad,તા.7
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 60 પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે બાંયો ચડાવી છે. આ પરિવારોએ ભેગા થઇને દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે.
પીડિત પરિવારોએ કેસ લડવા માટે જે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે તે ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે અને ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે કેસ લડી ચૂક્યા છે.
જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરૂદ્ધના કેસો પણ સામેલ છે. પ્લેન ક્રેશમાં અમદાવાદના સોની પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ પરિવારના સભ્ય તૃપ્તિ સોનીએ જણાવ્યું કે પીડિત પરિવારોને પણ તપાસમાં સામેલ કરવા જોઇએ.
પીડિત પરિવારોને દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય તેવા ડર તૃપ્તિ સોનીએ કહ્યું કે, અમે બધાએ ભેગા થઇને આ લો ફર્મ સાથે કામ કરવા માટે સાઇન અપ કર્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસમાં ઘણું અસ્ત વ્યસ્ત ચાલતું હોય તેમ લાગે છે.
જે રિપોર્ટ રિલીઝ કર્યો છે એ જવાબ આપવાના બદલે પ્રશ્નો વધારે ઊભા કરે છે. ઉપરાંત એમણે બહુ જ સિલેક્ટિવ વસ્તુ રિલીઝ કરી છે. એનાથી તપાસને અસર થવાની શક્યતા વધુ લાગે છે. તેમાં એર ઇન્ડિયા અને બોઇંગ કંપનીનો ઘણો મોટો આર્થિક રસ છે. અમને ડર છે કે વિમાન દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય.
ફ્લાઇટનો ડેટા આપવાની માંગ તેમણે વધુમાં કહ્યું કે, મારી વ્યક્તિગત માંગ એ છે કે પીડિત પરિવારને પણ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તપાસ માટે આપવો જોઇએ.જેથી અમે સ્વતંત્ર રીતે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ.
કારણ કે રો ડેટાનું જે અર્થઘટન કરે છે તેમાં છેડછાડ થવાની શક્યતા રહેલી છે. જો સરકાર પારદર્શકતા જ રાખતી હોય તો તેને આ ડેટા આપવામાં વાંધો ન હોવો જોઇએ. પીડિત પરિવારો પણ આ તપાસનો ભાગ હોવા જોઇએ.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં પાયલટ્સ પર સવાલ ઉઠાવાયા હતા થોડા દિવસો પહેલાં અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે.
વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ’તમે ફ્યૂઅલ સ્વિચને ’CUTOFF’ પોઝિશનમાં કેમ કરી?’
સવાલ પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પછી, ઉડ્ડયન નિષ્ણાત સંજય લાઝરે તપાસ અહેવાલ લીક થવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે- આશ્ચર્યજનક છે કે અમેરિકન મીડિયા પાસે ભારતીય સંસદ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય કરતાં વધુ માહિતી છે. આ અહેવાલ ભારતમાં સંપૂર્ણ પારદર્શિતા પર સવાલો ઊભા કરે છે. વડાપ્રધાને આ કેસની તપાસ હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા કરાવવી જોઈએ.