Rajkot,તા.13
રાજકોટ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોની જુદી જુદી કોર્ટમાં આજે રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતમાં કુલ 37,000 સમાધાન યોગ્ય કેસોમાંથી બપોર સુધીમાં 27% જેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળી હોવાનું અને સાંજ સુધીમાં 60 ટકા કેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળશે એમ મનાય છે. અકસ્માત વળતરના કેસોમાં બપોર સુધીમાં જ અનેક કેસોમાં સમાધાન સધાતા કરોડો રૂપિયાના ચેક અરજદારોને અર્પણ કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં જામનગર રોડ ઉપર ઘંટેશ્વર નજીક આવેલા નવા રાજકોટ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહના નેતૃત્વ હેઠળ દીપ પ્રાગટ્ય કરીને રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્દઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ , બાર એસોસીએશનના પ્રતિનિધિઓ, જુદી જુદી વીમા કંપનીઓ તથા બેંકોના ઓફીસરો, વકીલો, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ, પક્ષકારો ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ જે. આર. શાહ તથા પુર્ણકાલીન સચિવ એચ. વી. જોટાણીયાએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે માહીતી આપી લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવી જણાવેલ કે આજે રજૂ થનારા 37,000 જેટલા સમાધાન યોગ્ય કેસો પૈકી વધુમાં વધુ કેસ ફેસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહેશે, તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલ થાય તેવી અપેક્ષા છે. સદરહું લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા બે મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધિકારીઓ વિગેરે સાથે જુદી જુદી મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી આજના દિવસે વધુમાં વધુ કેસો સમાધાન રાહે નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જુદી જુદી કેટેગરીના ૩૭૦૦૦ પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવી રહ્યા છે. અકસ્માત વળતરના કેસોમાં બપોર સુધીમાં જ અનેક કેસોમાં સમાધાન સધાતા કરોડો રૂપિયાના ચેક અરજદારોને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ સાંજ સુધીમાં ૬૦% થી પણ વધુની સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થાય તેવી આશા છે.