Surendranagar,તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક સસ્તા અનાજના દુકાનદારો ગેરકાયદે રીતે રેશનકાર્ડ પર મળવાપાત્ર અનાજનો જથ્થો કાર્ડધારકોને આપવાને બદલે બારોબાર વેચી સગેવગે કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે બાતમીના આધારે થાન શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી રેશનિંગ દુકાનદાર દ્વારા સરકારી અનાજના જથ્થાનું અન્ય વાહનમાં વહન કરી કાળાબજાર તેમજ વેચાણથી સગેવગે કરતા ઝડપી પાડી છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમે થાનના આંબેડકરનગર-૧માં આવેલી વિજયભાઈ લાલજીભાઈ પરમારની રેશનિંગ દુકાન પર વોચ રાખી હતી. દરમિયાન દુકાનના સંચાલક વિજયભાઈ દ્વારા સરકારી અનાજનો જથ્થો પીકઅપ વાનમાં ભરી કાળાબજાર કરી મોટી રકમથી અન્ય જગ્યાએ સગેવગે કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું અને સ્થળ પરથી પીકઅપ વાનમાં ભરેલ સરકારી અનાજ ૩૫ કટ્ટા ઘઉં અને ૧૫ કટ્ટા ચોખા સહિત કુલ ૫૦ કટ્ટા ગેરકાયદેસર વહન કરતા જણાઈ આવ્યા હતા.પ્રાંત અધિકારીની ટીમને જોઈ પીકઅપ વાનનો ચાલક મોતીભાઈ પ્રજાપતિ (રહે.વિજયળીયા) અનાજના જથ્થા સાથે પીકઅપ વાન લઈ નાસી છુટયો હતો. ત્યારબાદ વિજયભાઈની રેશનિંગ દુકાનની તપાસ કરતા ૧૨ કટ્ટા ધઉં અને અન્ય બે કટ્ટા અનાજ મળી કુલ ૧૪ કટ્ટા સરકારી અનાજની ઘટ મળી હતી. તેમજ દુકાનમાં બાકી રહેલો તમામ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી દુકાનને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર દ્વારા સરકારી અનાજના ધઉં અને ચોખા સહિત કુલ ૬૪ કટ્ટા અનાજ સહિત કુલ રૃા.૯૩,૯૧૦નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે કાળાબજાર કરી રેશનકાર્ડ ધારકોને આપવાને બદલે ખુલ્લી બજારમાં મોટી રકમ લઈ વેચાણ કરતા હોવાનું જણાઈ આવતા દુકાનના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.