મહાનગરનો ક્રમ નેશનલ રેન્કીંગમાં સુધર્યો પરંતુ જયાં સુધી ગાર્બેજ પ્રોસેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચિત્ર ધુંધળુ : અનેક સુધારાની જરૂર
Rajkot, તા. 27
રાજકોટનો ક્રમ સ્વચ્છ સર્વેક્ષણમાં દેશમાં 19મો અને ગુજરાતમાં ત્રીજો આવ્યો છે. અગાઉના વર્ષ કરતા રાજકોટના ક્રમમાં 18નો સુધારો થયો છે. પરંતુ એક તબકકે રાજકોટનો ક્રમ નંબર 7 પણ હતો. દર વર્ષે રાજકોટ એક અંકમાં સ્થાન માટે પ્રયાસો કરે છે, પરંતુ તેમાં અસફળતા બદલ નાકરાવાડી ખાતે પ્રોસેસ વગર પડેલો સાડા સાત લાખ ટન કચરો પણ જવાબદાર છે.
નાકરાવાડીમાં આ ખતરનાક કચરાના નિકાલ અને પ્રોસેસ માટે વર્ષોથી કોર્પો. પ્રયાસ કરે છે. છેલ્લા સમયમાં મોટો જથ્થો નિકાલ પણ કરાયો છે. હજુ આ કચરાના નિકાલ માટે ટેન્ડર બહાર પડવાના છે. અહીં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ કાર્યરત થયો નથી. તો સુરત-અમદાવાદમાં આ કામ સફળતાથી થયું છે.
રાજકોટના માર્ક દર વર્ષે આ કેટેગરીમાં કટ થાય છે. આ વર્ષે રાજકોટ મનપાને 10634 ગુણ પ્રાપ્ત થયા છે. રાજકોટથી ઉપર નેશનલ રેન્કીંગમાં વડોદરા છે. અમદાવાદે પ્રથમ ક્રમ મેળવ્યો છે. તો ઇન્દોર સ્વચ્છતા લીગમાં ઓવરઓલ ટોપર્સ બન્યું છે.
નાકરાવાડીમાં કચરાના પ્રોસેસ, કચરા વર્ગીકરણ સહિતની ઘણી બાબતમાં કેટલાક સુધારા થઇ જાય એટલે રાજકોટનું સ્થાન વધુ સુધરી શકે તેવી ગણતરી તંત્રની છે. દરમ્યાન નાકરાવાડી ખાતે લેગસી વેસ્ટનું પ્રોસેસિંગ કરી તેમાંથી જનરેટ થતાં સેમી કમ્પોસ્ટનો ઉપયોગ કરી નાકરાવાડી ખાતે 30 એકર જમીનમાં 225000 વૃક્ષોનું વાવેતર કરી મીયાવાંકી ફોરેસ્ટ નિર્માણ કરવામાં આવેલ છે તે પણ ઉલ્લેખનીય છે.