Bhavnagar,તા.૨૧
મુંબઈથી દારૂ લાવી શહેરમાં વેચવા લાવેલી ત્રણ મહિલા અને ચાર પુરૂષોને ભાવનગર એલસીબીએ રૂવાપરી રોડ ટેકરી ચોક વિસ્તારમાંથી ઉઠાવી લીધા હતા. કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આડોડીયાવાસ વિસ્તારની ત્રણ મહિલા સહિત સાત લોકો પાસેથી દારૂ તથા કાર મળી પોલીસે રૂા.૪.૫૨ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કારમાં દારૂનો મોટો જથ્થો આડોડિયાવાસ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીે રૂવાપરી રોડ ટેકરી ચોક નજીક વોચમાં હતી. દરમિયાનમાં મોડી રાત્રે પસાર થઈ રહેલી સફેદ આટગા કારનં. જીજે.૦૪.ડીજે.૫૪૦૫ પર શંકા જતાં તેને અટકાવી હતી, કારની તપાસ કરતા કારમાંથી ત્રણ મહિલા અને ચાર પુરૂષ મળી આવ્યા હતા. જયારે,કારની પાછળની સીટ તેમજ ડીકીમાં છૂપાવેલાં અલગ અલગ થેલામાંથી વિદેશી દારૂની ૭૩૦ બોટલ કિં. રૂ. ૧,૫૨,૭૫૦ મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂ.૪,૫૨,૭૫૦ના મુદ્દામાલ સાથે ભાવેશ ઉર્ફે જોની લક્ષ્મણભાઈ સુરેલા (રહે.અમર સોસાયટી,કુંભારવાડા),તુષાર ઉર્ફે ભોદુ પ્રકાશભાઈ પરમાર, અભિષેક રાજેશભાઈ રાઠોડ, પ્રદિપ દીપકભાઈ રાઠોડ, જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ, કાજલબેન કાતકભાઇ પરમાર, અને ઉર્વશીબેન વિશાલભાઈ રાઠોડ (રહે. તમામ આડોડિયાવાસ)ની ધરપકડ કરી હતી. જયારે, પોલીસ પૂછપરછમાં આ જથ્થો મુંબઈની અલગ-અલગ દુકાનમાંથી ખરીદી ભાવનગર વેચાણઅર્થે લાવ્યાની કબૂલાત આપી હતી. પોલીસે તમામ વિરૂદ્ધ ઘોઘા રોડ પોલીસમાં પ્રોહીબિશનની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.