લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી ગૂંગળામણના કારણે બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો
Mehsana, તા.૭
મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી માતા-પિતા માટે એક અત્યંત ચેતવણીરૂપ અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડીના કરણનગર રોડ પર આવેલી શુકન બંગ્લોઝ સોસાયટીમાં, રમતા-રમતા ૭ વર્ષની માસૂમ બાળકી કબાટમાં પુરાઈ જતાં શ્વાસ રૂંધાવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે.
આ હૃદય કંપાવી દેનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કડીના શુકન બંગ્લોઝમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની ૭ વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન બાળકીની માતા ઘરના ધાબા પર સફાઈ કરવા માટે ગયા હતા. માતાની ગેરહાજરીમાં બાળકી રમતા-રમતા અચાનક ઘરના કબાટમાં સંતાઈ ગઈ અને કમનસીબે કબાટ બંધ થઈ ગયું. કબાટમાં પુરાઈ જવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી ગૂંગળામણના કારણે બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.
જ્યારે બાળકીની માતા ધાબું સાફ કરીને નીચે આવી, ત્યારે તેમને પોતાની દીકરી ક્યાંય દેખાઈ ન હતી. તેમણે ગભરાઈને તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી. ઘરના ખૂણે-ખૂણામાં તપાસ કર્યા બાદ જ્યારે તેમણે કબાટ ખોલ્યું, તો દીકરી તેમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
પરિવારજનો બાળકીને તાત્કાલિકના ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થઈ ચૂક્યું હતું. ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની વ્હાલસોયી દીકરીનું અચાનક અને અણધાર્યું મોત નીપજતા મહારાષ્ટ્રીયન પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું અને તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે.

