હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો મંગાવી વેંપલો કરતો’તો : રૂ. 26.68 લાખનો શરાબ ઝબ્બે
Rajkot,તા.26
શહેરમાંથી વધુ એકવાર મોંઘીદાટ શરાબની બોટલો ઝડપાઈ છે. પીસીબીની અલગ અલગ ટીમોએ બે સ્થળે દરોડા પાડી લાખોની કિંમતની મોંઘી દારૂની બોટલો પકડી પાડી હતી. જેમાં કોઠારીયા રોડ પર આવેલ પટેલનગર સદભાવના સોસાયટી-૩માં આવેલ મકાનમાંથી અલગ અલગ ૩૭ બ્રાન્ડની દારૂની ૭૮૦ બોટલ રૂ.૨૬.૬૮ લાખ અને ગોવર્ધન ચોક પાસે માધવ વાટીકા પાસેથી રૂ.૬૦ હજારનો ૨૨૮ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, કોઠારિયા રોડ પર આવેલ સુતા હનુમાન નજીક આવેલા પટેલનગર સદભાવના સોસાયટી-૩માં ખોડિયાર ઓટો સર્વિસ સામેના મકાનમાં રહેતા અભિષેક વિપુલ ઠાકર નામના શખ્સે ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાયો હોવાની બાતમી મળતાં ટીમે દરોડો પાડતાં બુટલેગર અભિષેક હાજર મળી આવ્યો ન હતો. પરંતુ ઘરમાં તપાસ કરતાં મોંઘી સ્કોચ-વ્હીસ્કીની દારૂની બોટલો મળી આવી હતી.
પીસીબીની ટીમે રૂા. ૨૬,૬૮,૬૮૦ ની ૭૮૦ બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જેમાં અલગ અલગ ૩૭ જેટલી બ્રાન્ડનો દારૂ ટ્રાન્સપોર્ટ મારફત ખાસ પાર્સલોમાં આવ્યાની પ્રાથમિક વિગતો મળતાં આનંદનગરમાં રહેતાં અભિષક વિપુલ ઠાકરની શોધખોળ થઈ રહી છે. આરોપી બે વર્ષથી ભાડાની આ જગ્યામાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ ઉતારતો હોવાની પ્રાથમિક તપાસમાં ખુલતાં તપાસ યથાવત રાખી છે. એક દરોડાની વિગતો મુજબ પીસીબીના એએસઆઈ મયુર પાલરીયા, નગીનભાઈ ડાંગર, હીરેન સોલંકીની બાતમી પરથી ૧૫૦ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે માધવ વાટીકા-૧ સામે પટમાંથી આશિષ દિનેશ સેજા (ઉ.વ.૨૭ રહે.ગોવર્ધન ચોક પાસે, માવધવાટીકા-૧) ને ૬૦૧૫૬ના ૨૨૮ નંગ દારૂ સાથે પકડી લેવાયો હતો. પ્રાથમિક કબુલાતમાં તે દમણથી દારૂ લાવતો હોવાનું સામે આવ્યું છે.