Mumbai,તા,01
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને તેમના ચાહકોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર તેમની તબિયત લથડવાની અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની વિગતો વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ધર્મેન્દ્રની હાલત ગંભીર નથી. તેમને માત્ર રૂટિન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને ઓબ્ઝર્વેશન માટે દાખલ કરાયા છે. હાલમાં અભિનેતાની તબિયત સ્થિર છે અને તેઓ પહેલા કરતાં વધુ સારું અનુભવી રહ્યા છે. પરિવારના નજીકના સૂત્રો તરફથી માહિતી સામે આવી છે કે, ધર્મેન્દ્રજીની તબિયત બિલકુલ ઠીક છે. તેમને માત્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. ઉલ્લેખનીય છે કે, 89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર ફિલ્મો અને વિવિધ કાર્યક્રમોમાં સક્રિય છે. તાજેતરમાં તેમની આગામી ફિલ્મ ‘ઈક્કિસ.નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના પર સની દેઓલે પિતાના દમદાર અભિનયની પ્રશંસા કરી હતી. આ પહેલા 2022માં પણ તેમને સ્નાયુઓ સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હાલમાં ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ તેમની તબિયત નિયંત્રણમાં હોવાની પુષ્ટિ કરી છે.

