Rajkot, તા.15
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજરોજ પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહ્યું હતું અને પાંચ સ્થળોએ 15 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે આજે રાજયમાં સૌથી વધુ ઠંડી રાજકોટ, નલીયા, જૂનાગઢમાં નોંધાઈ હતી.
નલીયામાં 14, જુનાગઢમાં 14 ડીગ્રી અને રાજકોટમાં 14.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે જુનાગઢના ગીરનાર પર્વત ઉપર શિયાળુ સિઝનમાં આજે પ્રથમવાર 9 ડીગ્રી સાથે સીંગલ ડીઝીટમાં તાપમાન નોંધાયુ હતું.
પ્રાપ્ત અહેવાલ મુજબ જુનાગઢ અને જીલ્લામાં ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠાર સાથે ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરનાર પર્વત ઉપર શહેર કરતા 5 ડીગ્રી પારો નીચે જતા 9 ડીગ્રીએ પહોંચી જતા સહેલાણીઓ યાત્રીકો ઠુંઠવાઈ જવા પામ્યા હતા. ત્યારે શીતળતાની લહેર સાથે હીમ જેવો ઠંડો પવનનો અહેસાસ થઈ રહ્યો છે.
જુનાગઢમાં લઘુતમ તાપમાન 14 ડીગ્રીએ નોંધાયુ હતું. સવારના ભાગે ભેજનું પ્રમાણ 75 ટકાએ પહોંચ્યું હતું લોકો મફલર ટોપી સ્વેટરનો આશરો લઈ રહ્યા છે. પવનની ગતી પ્રતિ કલાક 2 કી.મી.ની ઝડપે ફુંકાઈ રહ્યો છે. એકંદરે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે જોર પકડી રહ્યું છે.
આ ઉપરાંત અમરેલીમાં 15.2, વડોદરામાં 15.2, ડીસામાં 15.3, દિવમાં 15.8, તથા ગાંધીનગરમાં 15.5, ડીગ્રી લઘુતમ તાપમાન આજરોજ નોંધાયુ હતું. જયારે આજે સવારે અમદાવાદમાં 16.6, ભાવનગરમાં 21.2, કંડલામાં 18.5, ઓખા અને વેરાવળ ખાતે 19.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જામનગરમાં ઠંડીનો ધીમે ધીમે પગરવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીએ સ્થિર થયો છે. સમીસાંજથી લઈને વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો પણ યથાવત રહ્યો છે.હાઇવે માસર્ગ ઉપર પરોઢિયે ધૂમમસનું વાતાવરણ હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડે છે.
શહેરમાં શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીએ સ્થિર થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 31 ડીગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા ઘટીને 66 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 3.6 કિ.મી.ની રહેવા પામી હતી.લઘુતમ તાપમાન 16 ડિગ્રીએ સ્થિર થયું હોવા છતાં ઠંડીમાં વધ-ઘટ જોવા મળી રહી છે.
પવનની ગતિ વધતાની સાથે જ ઠંડા પવનના સુસવાટાથી ઠંડી વધી જાય છે. રાતથી વહેલી સવાર સુધી ઠંડીમાં ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને નગરસીમ-ગ્રામ્ય વિસ્તારોમાં વધારે ઠંડી પડી રહી છે. શહેરમાં ઠડી વધુ પડશે તેવી આશા સાથે જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર અનેક વિસ્તારોમાં ગરમ વસ્ત્રોના સ્ટોલ ખુલ્લી ગયા છે. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે.

