અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની નિમણુંક બાદ ક્રિપ્ટોકરન્સીસમાં શરૂ થયેલી રેલીમાં મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને છેલ્લા ચોવીસ કલાકમાં ૯૩૦૦૦ ડોલરની સપાટી દર્શાવી ત્યાંથી પાછો ફર્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૩૪૪૫ ડોલર જોવાયો હતો. જો કે અન્ય ક્રિપ્ટોસમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો.
અમેરિકાના લોકપ્રિતિનિધ ગૃહમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પક્ષે બહુમતિ મેળવી લેતા ક્રિપ્ટો કરન્સીસ સંબંધિત વિસ્તૃત કાયદા બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ કપાત આવવાની આશાએ પણ ક્રિપ્ટો વેપારને ટેકો પૂરો પાડયો છે. બુધવારે આવેલા અમેરિકાના ફુગાવાના ડેટા અપેક્ષા પ્રમાણે રહ્યા છે જેને કારણે વ્યાજ દરમાં વધુ કપાત આવવાની શકયતા વધી ગઈ છે.
ક્રિપ્ટોકરન્સીસ સંદર્ભમાં ટ્રમ્પ વહીવટીતંત્ર કેવા અને કેટલા ઝડપી નિયમનો લાવે છે તેના પર પણ બજારની મીટ રહેલી છે. ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ વધી ૩.૧૫ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
બિટકોઈન મોડી સાંજે ૯૦૬૫૯ ડોલર કવોટ થતો હતો. જ્યારે એથરમ ઘટી ૩૧૫૯ ડોલર રહ્યો હતો. હાલમાં ચર્ચામાં રહેલા એલન મસ્કના પીઠબળ સાથેના ડોજકોઈનમાં સુધારાની ચાલ જળવાઈ રહી હતી. ડોજકોઈન નીચામાં ૦.૩૬ ડોલર અને ઉપરમાં ૦.૪૩ ડોલર થઈ મોડી સાંજે ૦.૩૯ ડોલર બોલાતો હતો.