Gandhinagar તા.29
એસ.ટી. નિગમમાં છેલ્લા કેટલાંક દિવસોથી નવી બસો કંપનીમાંથી તૈયાર થઈને આવવા લાગી છે અને અત્યાર સુધીમાં 100 જેટલી બસો આવી ગઈ છે ત્યારે, હવે આવતીકાલે, આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ખાતે એચ.ઈ.સી. એકઝીબીશન હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે રાખવામાં આવેલ છે.
આ અંગે એસટી નિગમનાં આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આવતીકાલે કુલ 95 બસો રાજકોટ સહિતનાં જુદા-જુદા ડિવિઝનોને ફાળવવામાં આવનાર છે. આ 95 બસો પૈકી 51 બસોનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. અન્ય બસોની ફાળવણી નિગમ તબકકાવાર કરી દેશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત વાહન વ્યવહાર મંત્રી પણ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં રાજકોટ વિભાગને 8, જામનગરને 7, ગોધરાને 4, નડીયાદને 1, મહેસાણાને 9, અમદાવાદને 8, હિંમતનગરને 10 અને વડોદરા વિભાગને 4 નવી સુપર એકસપ્રેસ બસો મુખ્યમંત્રીનાં હસ્તે ફાળવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ દરમ્યાન એસ.ટી.માં 2300થી વધુ નવી બસો આવનાર છે. જે આગામી બે-ત્રણ માસ દરમ્યાન તબકકાવાર જુદા-જુદા એસ.ટી. ડીવીઝનોને ફાળવાશે.