Rajkot તા. 28
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ઠંડીમાં રાહત રહ્યા બાદ આજે ફરી તિવ્ર ઠંડીએ ચમકારો દેખાડયો હતો અને મોટા ભાગનાં સ્થળોએ સવારથી ઉતર-પૂર્વના બર્ફીલા પવનોએ લોકોને ધ્રુજાવ્યા હતા આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર 7 ડિગ્રી સાથે નલિયા રહેવા પામ્યુ હતું જયારે રાજકોટમાં સવારે 10 કિ.મી.ની ઝડપે ઠંડા પવનોનાં સુસવાટા સાથે 10.7 ડિગ્રી તાપમાન નોંધાતા નગરજનો ઠરી ગયા હતા.
તેમજ આજે સવારે પોરબંદરમાં 11.4, વેરાવળમાં 14.8, સુરતમાં 15.1, ઓખામાં 17.8 તથા અમદાવાદમાં 13.6, અમરેલીમાં 12, વડોદરામાં 11.8, ભાવનગરમાં 13.6, ભુજમાં 11, દમણમાં 15.2, જયારે ડિસામાં 10.5, દિવમાં 15, દ્વારકામાં 14.3, ગાંધીનગરમાં 12.5 અને કંડલા ખાતે 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉપરાંત જુનાગઢ શહેરમાં પણ બર્ફિલા પવન સાથે 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું અને સવારે પવનની ઝડપ 8.8 કિ.મી. રહેવા પામી હતી.
ભાવનગરમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી ઘટતા ઠંડી વધી હતી. ગોહિલવાડ પંથકમાં ઠંડીનું વધ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટીને 13.6 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતું.જ્યારે પવન ની ઝડપ 10 કિમી પ્ર.તિ. કલાકની રહી હતી. ભાવનગરમાં ઠંડી નું જોર વધતા જનજીવન પર તેની અસર થઈ રહી છે.
દરમ્યાન જામનગરમાં છેલ્લા 24 કલાક લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારા સાથે ઠંડીનો પારો 12ડિગ્રીએ સ્થિર થયો હતો. ઉલ્લેખનીય છે કે પવનનું જોર આંશિક વધવા થી ઠંડીનું જોર વધ્યું હતું. પરંતુ મહતમ તાપમાન 25.6 ઉપર આવતા બપોર દરમ્યાન શહેરીજનો ઠંડી માંથી આંશિક રાહત મળી હતી પરંતુ મોડી રાત્રે એને વહેલી સવારે હાડધ્રુજાવતી ઠંડી નો અનુભવ કર્યો હતો.
સવારે હાડ ધ્રુજાવતી ઠંડીની સીધી અસર જનજીવન અને પશુપક્ષીઓ ઉપર જોવા મળી હતી.સવારે 9 વાગ્યા સુધી બજારોમાં કુદરતી સંચાર બંધી રહી હતી. જામનગર શહેરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 1.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે જેને પગલે શહેરનું તાપમાન 12 ડિગ્રી થયું હતું.
જ્યારે મહત્તમ તાપમાનનો પારો 25.5 ડિગ્રી નોંધાયો હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. વહેલી સવારે શહેરમાં ધુમ્મસનું આવરણ જોવા મળ્યું હતું. જયારે પવનની ગતિ પ્રતિકલાક 5.2 કિમિ નોંધાઇ હતી.

